• શનિવાર, 20 એપ્રિલ, 2024

બેઠકો માટે `આપ'-કોંગ્રેસમાં અંતે સહમતી

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 22 : વિપક્ષોના `ઈન્ડિયા' ગઠબંધનના સાથીદાર સમાજવાદી પાર્ટી બાદ હવે આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ વચ્ચે દિલ્હી, હરિયાણા, ગોવા અને ગુજરાતમાં લોકસભાની બેઠક સમજૂતીની વાતચીત પાકી થયાનું સૂત્રોએ જણાવ્યું છે. કોંગ્રેસ અને અખિલેશ યાદવના નેતૃત્વ હેઠળની સમાજવાદી પાર્ટી વચ્ચે આગામી ઉત્તરપ્રદેશ લોકસભા ચૂંટણી માટે બેઠક વહેંચણી નક્કી થયાના એક દિવસ બાદ સમજૂતી થઈ છે. કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું છે કે કેટલીક બાબતો પર હજી ચર્ચાની જરૂર છે. જોકે, પાર્ટી જાણે છે કે ભાજપને ત્રીજીવાર ચૂંટણી જીતતા અટકાવવો હોય તો જોડાણ જરૂરી છે. સૂત્રોએ કહ્યું હતું કે, દિલ્હી માટે બેઠક સમજૂતી પૂર્ણ થઈ ગઈ છે. દિલ્હીમાં આપ સત્તા પર છે. અહીં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની પાર્ટી ચાર સીટો પર અને કોંગ્રેસ ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે. આપ દક્ષિણ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હી, પશ્ચિમ દિલ્હી અને નવી દિલ્હીની બેઠકો પરથી ચૂંટણી લડવાની શક્યતા છે, જ્યારે કોંગ્રેસ ચાંદની ચોક, ઉત્તર-પૂર્વ દિલ્હી અને પૂર્વ દિલ્હીની બેઠકો પરથી ચૂંટણી લડશે. હરિયાણાની દસ બેઠકમાંથી કોંગ્રેસ નવ સીટ પર ચૂંટણી લડે અને દિલ્હીની ચાર સીમાવર્તી બેઠકમાંથી એક બેઠક આપને આપે એવી શક્યતા છે. ગુજરાતમાં કુલ 26 લોકસભા સીટ છે અને કોંગ્રેસ આપ સાથે બે બેઠક પર સમજૂતી કરવા તૈયાર હોવાનું કહેવાય છે. આપ ભરૂચ અને ભાવનગરની સીટ લડશે અને એણે માટે ચૈતર વસાવા અને ઉમેશભાઈ મકવાણાનું નામ જાહેર કરી દીધું છે. ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા ડેડિયાપાડા અને બોટાદના સભ્ય છે. દક્ષિણ ગોવામાંથી વેન્ઝી વીગાસે ચૂંટણી લડશે એવું આપે જાહેર કર્યું હતું. જો કે, હવે બેનૌલિમના વિધાનસભ્ય પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેશે અને સીટ કોંગ્રેસના ફ્રાન્સિસ્કો સરદિન્હાને આપશે, જેઓ 2019ની ચૂંટણી જીતી ગયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang