• મંગળવાર, 25 જૂન, 2024

ઢોરીમાં યુવાને ગળેફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી

ભુજ/ગાંધીધામ, તા. 18 : ભુજ તાલુકાના ઢોરી ગામે 44 વર્ષીય યુવાન હરિભાઇ રાધાભાઇ મેરિયાએ આજે ગળેફાંસો ખાઇ મોતને વહાલું લીધું હતું. જ્યારે ડગાળાની વાડીમાં ગત તા. 12-9ના ઝેરી દવાવાળું પાણી ધોરિયામાંથી પીનારી 17 વર્ષીય તરુણી સરોજબેન નાયકાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ગાંધીધામ તાલુકાના મીઠી રોહરની સીમમાં આવેલી પતંજલિ ફૂટ કંપનીમાં ગઇકાલે બપોરના અરસામાં રવીન્દ્રકુમાર ધર્મરાજસિંઘ (ઉ.વ. 26) નામના યુવાનનું કોઇ ભેદી કારણો વચ્ચે મોત થયું હતું. ભુજ તાલુકાના ઢોરી ગામે 44 વર્ષીય યુવાન હરિભાઇ રાધાભાઇ મેરિયાએ કોઇ અગમ્ય કારણોસર આજે બપોરે પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી હરિભાઇને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. મૂળ પંચમહાલ જિલ્લાના હાલે ભુજ તાલુકાના ડગાળામાં લક્ષ્મણભાઇ વેલાભાઇ આહીરની વાડીમાં ખેતમજૂરી કરતા કનુભાઇ ધનાભાઇ નાયકની 17 વર્ષીય તરુણ વયની પુત્રી સરોજબેન ગત તા. 12-9ના સાંજે ડગાળાની વાડીમાં કપાસમાં નાખવાની દવા સાથેનું પાણી ધોળિયામાં જતું હતું તે ઝેરી પાણી પી જતાં બેભાન થઇ ગઇ હતી. આથી સરોજબેનને બેભાન અવસ્થામાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર તળે ખસેડાઇ હતી. પરંતુ સારવાર કારગત ન નીવડતાં રવિવારે અડધી રાત્રે હોસ્પિટલના બિછાને તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામના ખોડિયાર નગર વિસ્તારમાં રહેનાર રવીન્દ્ર કુમાર ગઇકાલે પતંજલિ નામની કંપનીમાં હતો. કંપનીની અંદર પાર્ક કરેલી ટ્રકમાં બેઠેલો આ યુવાન બેભાન અવસ્થામાં મળી આવતાં તેને સારવાર અર્થે લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનનું મોત કેવી રીતે થયું હશે તેના ભેદ વચ્ચે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang