ગાંધીધામ/ભુજ, તા. 19 : પડાણા નજીક
કાર ડિવાઇડરમાં અથડાઇ પલટી જતાં જુમા ઇસ્માઇલ સોઢાનું મોત થયું હતું તથા અન્ય ચારને
ઇજા પહોંચી હતી. જ્યારે ગાંધીધામ તાલુકાના કિડાણામાં 41 વર્ષીય યુવાન રમેશ સત્યનારાયણ
શાહે ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. બીજીતરફ લખપત તાલુકાના પાનધ્રોમાં
રહેતા 57 વર્ષીય પ્રૌઢ નરેન્દ્રસિંહ
ભૂરુભા જાડેજા ઘેર સીડી ચડવા દરમ્યાન પડી જતાં માથાંમાં થયેલી ગંભીર ઇજા તેમના માટે
જીવલેણ બની હતી. ગાંધીધામ - ભચાઉ ધોરીમાર્ગ પર પડાણા સીમ મિની પંજાબી હોટેલની સામે
અકસ્માત સર્જાયો હતો. મીઠીરોહરમાં રહેનાર ફરિયાદી અબ્દુલ હુશેન સંઘાર, તેના મિત્રો જુમા ઇસ્માઇલ સોઢા, કાસમ હારુન સંઘાર, સોહિલ દાઉદ ત્રાયા અને આદમ કાસમ સોરા
પોતાના ગામથી પડાણા બાજુ કાર નંબર જી.જે.-12-સી.પી.-5402 લઇને ચા પીવા
જઇ રહ્યા હતા. દરમ્યાન અચાનક કોઇ પશુ આવી જતાં તેને બચાવવા જતાં ચાલકે કાબૂ ગુમાવી
દીધો હતો અને કાર ડિવાઇડરમાં અથડાયા બાદ પલટી ગઇ હતી જેમાં આ પાંચેયને ઇજાઓ પહોંચી
હતી, જેમાં જુમા સોઢાને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત
થયું હતું. અન્યોને સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યારે કિડાણાની પિન્કસિટી સોસાયટીમાં
મકાન નંબર 155માં રહેનાર
રમેશ શાહ નામના યુવાને ગઇકાલે બપોર પહેલાં અંતિમ પગલું ભરી લીધું હતું. ખાનગી નોકરી
કરનાર આ યુવાને થોડા સમય પહેલાં નોકરી મૂકી દીધી હતી. ગઇકાલે તે પોતાના ઘરે હતો, દરમ્યાન અગમ્ય કારણોસર તેણે પંખામાં દોરી બાંધી
ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ
પોલીસે હાથ ધરી છે. આ ઉપરાંત પાનધ્રોમાં રહેતા નરેન્દ્રસિંહ ગઇકાલે સવારે પોતાના ઘરે
સીડી ચડી રહ્યા હતા તે દરમ્યાન પડી જતાં માથાંમાં ગંભીર પ્રકારની ઇજા પહોંચતાં નરેન્દ્રસિંહને
સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત ન નીવડતાં
મધ્યરાત્રે તેમણે સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. નારાયણ સરોવર પોલીસે અકસ્માત મોતનો
ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.