ભુજ, તા. 18 : બે માસ પૂર્વે શેખપીર નજીક
પુરવઠા તંત્રે દરોડો પાડી સંગ્રહિત શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ અને ટેન્કરની જપ્તી
કર્યા બાદ આ શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ બાયોડીઝલ હોવાનો અહેવાલ આવતાં બે માસના અંતે
આ બાયોડીઝલ પ્રકરણમાં બુઢારમોરાના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કાયદેસર કાર્યવાહી
કરાઇ છે. આ અંગે ગઇકાલે ભુજ ગ્રામ્યના મામલતદાર એ. એન. શર્માએ પદ્ધર પોલીસ મથકે નોંધાવેલી
ફરિયાદ મુજબ ગત તા. 19/12/24ના
પ્રાંત અધિકારી તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા શેખપીર પાસે કુલદેવી કૃપા સર્વિસ
સ્ટેશન પાછળ ખુલ્લા વાડામાં તપાસણી કરતાં આરોપીએ ટ્રક નં. જી.જે. -12-ડબલ્યુ.-8958વાળા ટેન્કરમાં જ્વલનશીલ પેટ્રોલિયમ
અંદાજિત 19000 લિટર કિં. રૂા. 14.44 લાખ અને ટ્રકની કિં. રૂા. નવ
લાખ એમ કુલે રૂા. 23.44 લાખનો મુદ્દામાલ
સીઝ કરી આ શંકાસ્પદ પેટ્રોલિયમના પૃથક્કરણનો અહેવાલ આવતાં આ બાયોડીઝલ જ્વલનશીલ પદાર્થ હોવાનું ખૂલતાં અને આ જ્વલનશીલ પદાર્થ સંગ્રહ કરવા
માટે આરોપી પાસે કોઇ પાસ પરમિટ અને ફાયર સેફ્ટીના સાધનો ન રાખી જરૂરી ચીજવસ્તુઓના અધિનિયમ
તળે આરોપી આમના ટ્રેડિંગ કું.ના પ્રોપરાઇટર અકબર ઓસમાણ રાયમા (રહે. બુઢારમોરા, તા. અંજાર) વિરુદ્ધ ગુનો દર્જ કરવામાં આવ્યો
છે. આ કેસ સબબ સ્થાનિકે રૂબરૂ નિવેદનમાં અકબરે આ જથ્થો પોતાનો હોવાનું સ્વીકારી અને
કેસની સુનાવણી વખતે બિલ મુજબ `ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ' ખરીદ હતું જેનો ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનું ફરિયાદમાં લખાવાયું
છે.