ભુજ, તા. 18 : શહેરના ઓપનએર થિયેટર ખાતે પડેલાં
ભુજ સુધરાઇનાં વાહનમાં કોઇ અસામાજિક તત્ત્વે આગ ચાંપતાં વાહનમાં મોટી નુકસાની થઇ હતી.
જો કે, બનાવ
સંદર્ભે અજાણ્યા ઇસમ સામે નગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઇ હતી. ભુજ
સુધરાઇ દ્વારા ઓપનએર થિયેટરનાં મેદાનમાં ઊભાં રખાયેલાં વાહનને આજે કોઇ અસામાજિક તત્ત્વ દ્વારા આગ ચાંપી નુકસાન પહોંચાડાતાં ભારે ચર્ચા
જાગી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે ધસી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ધુમાડાના ગોટા નજરે પડતાં આસપાસથી પસાર થતા
લોકો પણ એકત્ર થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજ સુધરાઇની
શાસનધૂરા સંભાળતાં વેંત જ નવનિયુક્ત શાસકોએ
સુધરાઇની તમામ મિલકતોમાં સીસીટીવી કેમેરા
લગાવી દીધા હતા, જેને પગલે ઓપનએર થિયેટર ખાતેનો આજનો બનાવ કેમેરામાં
કેદ થયો હતો. સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ
ઇસમ મેદાનમાં જતો નજરે પડે છે અને ત્યારબાદ વાહનમાં આગ નજરે પડે છે ત્યારે તે ઇસમ મોઢે
રૂમાલ બાંધી પરત જતો દેખાય છે. બનાવ અંગે સુધરાઇના મુખ્ય અધિકારી શ્રી જાધવ દ્વારા
પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. અહીં નોંધનીય
છે કે, ભુજમાં લુખ્ખા તત્ત્વોને કાયદાની કોઇ બીક રહી ન હોય તે જાહેર સ્થળે આગના
આ બનાવ પરથી જાગૃતોને લાગી રહ્યું છે.