ગાંધીધામ/ભુજ, તા. 9 : ભચાઉના ભવાનીપુર
શેરી નંબર 14માં પોલીસે છાપો મારી જુગાર રમતા પાંચ ખેલીને
ઝડપી પાડયા હતા. આ ઉપરાંત આજે મુંદરા તાલુકાના નાની ખાખરમાં ગંજીપાના વડે જુગાર રમતા
ચાર જુગારીને, જ્યારે નખત્રાણા તાલુકાના
દેવીસરમાં ગઈકાલે ધાણીપાસાનો દાવ ખેલતા ત્રણ ખેલીને પકડી પોલીસે કાર્યવાહી કરી હતી. ભચાઉની ભવાનીપુર શેરી 14માં શાંતિલાલ જેરામ પ્રજાપતિના ઘરની બહાર
અમુક શખ્સો ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી
હતી અને શાંતિલાલ જેરામ પ્રજાપતિ, સુરેશ
રાજા પ્રજાપતિ, પ્રકાશ મોહન પ્રજાપતિ, મયૂર
રવજી પ્રજાપતિ અને કિશન નારણ પ્રજાપતિ નામના શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો
પાસેથી રોકડ રૂા. 16,300 જપ્ત
કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નાની ખાખરના નાના
બસ સ્ટેશન પાસે આજે બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા કાંતિ માવજી મોથરિયા, રોહિત રાયશીભાઈ મોથરિયા, રણમલ રાયશીભાઈ મોથરિયા અને પ્રદીપ
થાવરભાઈ મોથરિયા (રહે. તમામ નાની ખાખર)ને રોકડા રૂા. 10,700ના મુદ્દામાલ સાથે કોડાય પોલીસે
પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજીતરફ નખત્રાણા તાલુકાના દેવીસર ગામની પૂર્વ બાજુ
ભૂખી નદીના કિનારે બાવળોની ઝાડીમાં ગઈકાલે સાંજે ધાણીપાસા વડે જુગાર રમતા સલીમ જુમા
સમેજા (રહે. સુરલભીટ્ટ-નખત્રાણા), રણછોડસિંહ
શિવુભા જાડેજા (રહે. નાનીઅરલ, તા. નખત્રાણા), દાઉદ અલીમામદ નારેજા (રહે. નખત્રાણા)ને રોકડા રૂા. 5310ના મુદ્દામાલ સાથે નખત્રાણા
પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.