ગાંધીધામ, તા. 17 : રાજસ્થાનના યુવાન વેપારીને એકના ડબલ કરી
આપવાની લાલચ આપી ભચાઉ પાસે બોલાવી લૂંટારાઓએ રૂા. 1,70,000 તથા મોબાઇલની લૂંટ ચલાવી
હતી. રાજસ્થાનના નાગોરમાં રહેનાર યુવાન વેપારી એવા ફરિયાદી માનસિંઘ કુલદીપ શેખાવત ગત
તા. 10/12ના ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઇ રહ્યો હતો, ત્યારે પ્રવીણ પટેલ 645 નામની આઇ.ડી.માં
વીડિયો હતો, જેમાં 500ના દરની નોટોનો બંડલ હતો અને પાંચ લાખના બદલામાં રૂા.
20 લાખ રોકડા આપવાની વાત લખી હતી, જેથી ફરિયાદીએ
આ શખ્સને મેસેજ કરી પૂછપરછ કરી હતી. બાદમાં તા. 1/1ના ટ્રેનથી ફરિયાદી અને તેનો ભાઇ
ગાંધીધામ રેલવે મથકે આવ્યા હતા. તેમને અંજાર બોલાવી અમુક સાચી નોટ આપી ખરાઇ કરાવવા
જણાવ્યું હતું. ફરિયાદી હોટેલમાં રોકાઇ નોટની ખરાઇ કરતા સાચી હોવાનું બહાર આવતાં તેમને
વિશ્વાસ બેઠો હતો. બાદમાં ફરિયાદીને ભચાઉ મામાદેવના મંદિર પાસે બોલાવી થેલામાં રહેલી
નોટના બંડલ બતાવાયા હતા. ફરિયાદી લાલચમાં આવી ગયા બાદ ફરીથી તા. 16/1ના બસમાં બેસીને
રૂા. 1,70,000 સાથે ભચાઉ આવ્યા હતા. જ્યાં બે યુવાનને ગાંધીધામ બાજુ ગોલ્ડન હોટેલ આગળ
બોલાવ્યા હતા. જ્યાં સફેદ રંગની નંબરપ્લેટ વગરની બલેનો કારમાં ફરિયાદીને બેસાડી રૂપિયા
આપી દેવા જણાવાયું હતું. ફરિયાદીએ બંડલ બતાવવાનું કહેતાં ઉપર-નીચે સાચી નોટ અને વચ્ચે
પૂંઠાં હોવાનું જણાતાં ફરિયાદીએ એક કા ચાર
ગણા કરવાની ના પાડી હતી. આરોપીઓએ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી રૂા. 1,70,000 તથા
મોબાઇલની લૂંટ કરી ભોગ બનનાર યુવાનને ચાલતી કારમાંથી બહાર ફેંકી નાસી ગયા હતા. બનાવ
અંગે પોલીસે ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય
છે કે, તાજેતરમાં વરસાણા પાસે અંજારના શખ્સોએ આ જ પ્રકારે લાલચ આપી બે વેપારીને માર
મારી ત્રણ લાખની લૂંટ કરી હતી. આ કેસમાં ધાડ સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો.