• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

પ. કચ્છમાં નિશાચરો બેફામ : 211 જગ્યાએ હાથ માર્યા

ભદ્રેશ ડુડિયા દ્વારા : ભુજ, તા. 4 : મોકળાં મેદાન જેવા બનેલા રસ્તા અને તેજ ગતિના આધુનિક વાહનો તેમજ પશ્ચિમ કચ્છમાં વિકસિત મુંદરા બંદર અને સરહદી ક્ષેત્રમાં નિર્માણ પામી રહેલા વિશાળ સોલાર પાર્ક અને હાજીપીર બાજુ બ્રોમેનના ઉદ્યોગના ધમધમાટ થકી સૂના માર્ગો પર પણ ગાડીઓ પૂરપાટ દોડતાં માર્ગ અકસ્માતોનો ગ્રાફ પણ ઊંચકાયો છે. પશ્ચિમ કચ્છમાં વર્ષ 2024ના નવેમ્બર સુધી માર્ગ અકસ્માતમાં મહામૂલી જિંદગી ગુમાવ્યાના જીવલેણ અકસ્માતો 140 થયા હતા. પૈસાની લેતી-દેતી અને આડા સંબંધ ઉપરાંત સહનશક્તિના અભાવે નાની-નાની બાબતોમાં હિચકારા હુમલા કરી કરપીણ હત્યાના  18-20 અને હત્યાના પ્રયાસના 10 બનાવ નોંધાયા છે. હરામખોરો દ્વારા ચોરીના બનાવોમાં પણ ઊછાળો આવ્યો છે. રાતની ઘરફોડીના બનાવો વર્ષ 2023માં 69 નોંધાયા હતા, તેની સામે 2024માં 93 નોંધાયા છે. મંદિર ચોરી 6ની સામે હાલ 11નો આંક સામે આવ્યો છે. કુલ 211 ચોરીના બનાવમાં ભેદ 50 ટકા એટલે કે 126નો ઉકેલાયો છે. જીવલેણ માર્ગ અકસ્માતોની સતત વધતી સંખ્યાને લઇને સરકાર અને તેના સંલગ્ન પોલીસ અને આરટીઓ સહિતના તંત્રો ગંભીરતા સાથે હરકતમાં આવ્યા છે, પરંતુ આવા અકસ્માતમાં મૃત્યુ પામનારામાં મુખ્યત્વે દ્વિચક્રી વાહનચાલકોની સંખ્યા મહત્તમ છે. ફરજિયાત હેલ્મેટ સહિતની અનેકવિધ ઝુંબેશ સાથે આ અંગેના કાયદાની ધાર તેજ બનાવવાના પ્રયાસ ચાલુ હોવા છતાં વધી રહેલી વસતી, વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો અને પૂરપાટ ગાડી દોડાવાની મહેચ્છા (ગેલછા)ના કારણે જીવલેણ અકસ્માતોની વણજાર રોકાવાનું નામ લેતી નથી. વર્ષ 2024 દરમ્યાન પશ્ચિમ કચ્છમાં જીવલેણ અકસ્માતોની સંખ્યા 140 છે, જેની આછેરી ઝલક આ મુજબ છે. 0 સોમનાથથી પરત ફરતા માધાપરના સોની પરિવારનો માળો પીંખાયો, પદ્ધર નજીક પુલિયામાં વાહન અથડાતાં બે સહોદર સહિત ચારનાં મૃત્યુની અરેરાટીનો બનાવ બન્યો, તો 0 સુખપરમાં દાદી-પૌત્ર ઉપર ટ્રકનાં પૈડાં ફરી વળ્યાં. 0 ભુજોડી પુલ ઉપર અજાણ્યાં વાહને બાઇકને અડફેટે લેતાં બે યુવાન કાળનો કોળિયો બન્યા'તા 0 ભીરંડિયારા માર્ગે ટ્રેઇલરે માલધારી યુવાનને કચડયો. 0 માંડવીની તરુણી શાળાથી છૂટી ઘરે પહોંચે તે પૂર્વે જ કાળનો કોળિયો બની. સહનશક્તિના અભાવે નાની-નાની બાબતોમાં ઝઘડો કરી હત્યા નીપજાવવી તો હવે જાણે સામાન્ય બાબત થઇ ગઇ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. પશ્ચિમ કચ્છમાં વર્ષ 2023માં 20 હત્યા નોંધાઇ હતી, તેની સામે 2024માં કંઈ જ તફાવત ન આવ્યો હોય તેમ 21 ગુના ખૂનના નોંધાયા છે અને પોલીસે તેને ઉકેલી લીધા છે. આ હત્યાના બનાવોની આછેરી ઝલક કંઇક આ પ્રમાણે છે. 0 ભુજમાંથી મિત્રો દ્વારા જ યુવાનની હત્યા કરી લાશ અવાવરુ કૂવામાં ફેંકાઈ  0 નાણાંના મુદ્દે ભુજમાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળ્યું 0 ભુજમાં સાસુ-સસરાના હાથે બુટલેગરની હત્યા 0 ભુજમાં એક હજાર પરત માગતાં યુવાનની છાતીમાં છરી ભોંકી મોતને ઘાટ ઉતારાયો 0 ગોધરામાં પ્રેમી દ્વારા યુવતીની ઘાતકી હત્યા 0 મોટા રેહામાં યુવાનની હત્યા બાદ તેનો ભેદ પોલીસે ઉકેલ્યો'તો 0 પૈસાની ઉઘરાણી મુદ્દે મોટી ભુજપુરમાં યુવાની હત્યા 0 પરપ્રાંતીય ચાર ખેતમજૂરે આપસી ખટરાગના પગલે સાંધાણના યુવનનું ઢીમ ઢાળ્યું'તું 0 મુંદરામાં છરીના ઘા ઝીંકી વૃદ્ધની હત્યા 0 ડુમરામાં છ શખ્સે યુવાન પર હુમલો કરતાં સારવારમાં મોત 0 યુવતી પાછળ પડયાના શકમાં કુકમામાં યુવનની છરી અને પાઇપ ફટકારી ચાર શખ્સે કરપીણ હત્યા કરી'તી 0 ગઢશીશામાં ઘર પાસે બે ભાઇના ઝઘડામાં વચ્ચે પડેલા પિતા-પુત્ર પર હિચકારા હુમલામાં પિતાનું સારવારમાં મોત 0 પત્રીમાં કાકાઈ ભાઈના હાથે ભાઈની હત્યા 0 મીંઢિયારીમાં માસીયાઇ ભાઇના હાથે યુવકનું ખૂન કચ્છમાં વિકાસનો પવન ફૂકાતાં પવનચક્કીનો ઉદ્યોગ ધમધમ્યો છે, ત્યારે આવી પવનચક્કી અને ખાનગી વીજ કંપનીના વાયરચોરીના બનાવોમાં પણ ખાસ્સો એવો ઉછાળો આવ્યો છે. પશ્ચિમ કચ્છમાં વીજલાઇન ઉતારી છૂ થતી ટોળકીઓ પણ સક્રિય બનતાં પોલીસે પણ તેની સામે લાલ આંખ કરવાની શરૂ કરી છે. આવી જ વરનોરાની વાયરચોર ટોળકી ઉપર ખાવડામાં એલસીબીએ ગેંગ સંબંધિતનો ગુનો દાખલ કરી ઘણાખરા આરોપીને ઝડપી પાડયા છે. બીજીતરફ નિશાચરો દ્વારા થતી ઘરફોડીના બનાવો વધ્યા છે, પણ તેની સામે શોધનમાં પોલીસનો ગ્રાફ નીચે ગયો છે. વર્ષ 2023માં રાતની ઘરફોડી 69 નોંધાઇ હતી, તેની સામે 2024માં 93 નોંધાઇ છે. તેમાંથી 57ના જ ભેદ ઉકેલાયા છે. કુલ 211 ચોરીમાંથી 126ના ભેદ શોધવામાં પોલીસ અસફળ રહી છે. 11 મંદિર ચોરીમાંથી છના ભેદ ઉકેલાયા છે. 0 ચાર કિ.મી.ની આખેઆખી વીજલાઇન ચોરી જવાઈ 0 ભારાસરમાં એનઆરઆઈનાં ઘરમાંથી તરસ્કરોએ 10 લાખનો હાથ માર્યો. સામત્રાના ચાર બંગલાએ?નિશાન બન્યા હતા. 0 માંડવીમાં ધોળા દિવસે 16.81 લાખની ઘરફોડી 0 બિદડા સર્વોદય ટ્રસ્ટમાં મુંબઈથી થેરાપી માટે આવેલા વૃદ્ધાના રૂમમાંથી રોકડ, દાગીના સહિત 26.80 લાખની ચોરી 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd