ગાંધીધામ, તા. 3 : પૂર્વ
કચ્છમાં લૂંટ, ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપીને તસ્કરો-લૂંટારુઓએ પોલીસને દોડતી રાખી
છે, તેવામાં રાપર તાલુકાના આડેસરમાં આવેલાં મેલડી માતાનાં મંદિરનાં તાળાં તોડી તેમાંથી
રૂા. 6,02,000ના આભૂષણોની ચોરી કરી નિશાચરો નાસી ગયા હતા. આડેસરના મુરલીધરવાસમાં આવેલાં
મેલડી માતાનાં મંદિરમાંથી નિશાચરોએ ગત રાત્રિ દરમ્યાન હાથ માર્યો હતો. મંદિરમાં સેવા-પૂજા કરતા વૃદ્ધ એવા ફરિયાદી ભજુભાઇ ભચુ રબારી ગઇકાલે સાંજે માતાજીની આરતી કરી દરવાજા બંધ કરી પોતાનાં ઘરે સોઢા કેમ્પ બાજુ ગયા હતા. બાદમાં રાત્રે નવેક
વાગ્યે તેમનો ભત્રીજો આણદાભાઇ આ વૃદ્ધને પરત મંદિરે મૂકી ગયો હતો અને પોતે ઘરે જતા
રહ્યા હતા. રાત્રિના ભાગે ફરિયાદીએ માતાજીના દાગીના તપાસ્યા નહોતા. બાદમાં આજે વહેલી
પરોઢે ઊઠી મંદિરમાં આરતી કરવા જતાં મંદિર આગળ લગાડેલ લોખંડની ગ્રિલમાં તાળું મારવાનું
હૂંક કપાયેલું જણાયું હતું. ગ્રિલ ખોલી મંદિરમાં જતાં મેલડી માતાનાં મંદિરે ચડાવેલ
આભૂષણો ગુમ જણાયા હતા. આ મંદિરનાં તાળાં તોડી નિશાચરોએ અંદરથી સોનાનો હાર, કાનના જુમખા,
50 ગ્રામ, 10 ગ્રામની સોનાંની ચેન, ચકદો, 10 ગ્રામનું સણ પગલું નંગ-1, પાંચ ગ્રામના
સોનાના નવ છત્તર, પાંચ ગ્રામનું સોનાનું ઓમ, ચાંદીના 11 છત્તર ઉતારીને તસ્કરો નાસી
ગયા હતા. ફરિયાદીએ અન્ય લોકોને જાણ કરતાં લોકો અહીં દોડી આવ્યા હતા. બનાવ અંગે માતાજીનાં
મંદિરે લાગેલા સી.સી.ટી.વી.ના ફૂટેજ જોવા જતાં તસ્કરોએ ડી.વી.આર. પણ ઉઠાવી ગયાનું બહાર
આવ્યું હતું. રૂા. 6,02,000ના આભૂષણોની ચોરી અંગે આડેસર પોલીસે ફરિયાદ નોંધી આગળની
કાર્યવાહી હાથ ધરી છે.પૂર્વ કચ્છમાં છેલ્લા
કેટલાક સમયથી ઘરફોડ ચોરી, લૂંટના બનાવો વધ્યા છે, જે પૈકી અમુક ઉકેલાયા છે તો અમુક
હજુ જેમના તેમ જ હોવાનું સમજાય છે. મંદિરમાંથી ચોરીના બનાવને પગલે શ્રદ્ધાળુઓમાં રોષની
લાગણી પ્રસરી હતી.