ગાંધીધામ, તા. 3 : શહેરના કાર્ગો આઝાદનગર સામે સર્વિસ રોડ પર પગપાળા જતા અકબર જુસબ પઠાણ (ઉ.વ. 39)ને અજાણ્યા વાહને હડફેટે લેતાં આ યુવાનનું મોત થયું
હતું. બીજીબાજુ શહેરના ભારતનગરમાં પૂજાબેન અરવિંદ ચૌહાણ (ઉ.વ. 21)એ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ખારીરોહરની પીર કોલોનીમાં
રહેનાર અકબર નામનો યુવાન ગત તા. 1/1ના કામ અર્થે ગાંધીધામ આવ્યો હતો. તે રાત્રે
11.30ના અરસામાં કાર્ગો આઝાદનગર સામે સર્વિસ રોડ ઉપર પગપાળા જઇ રહ્યો હતો, દરમ્યાન,
કોઇ અજાણ્યા વાહને તેને હડફેટમાં લેતાં આ યુવાનને ગંભીર પ્રકારની
ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ?જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો
હતો. હિટ એન્ડ રનના આ બનાવમાં સિદિક જુસબ પઠાણે પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ
ફરિયાદ નોંધાવી હતી. બીજીબાજુ શહેરના ભારતનગર વોર્ડ 11-બી વિજય શક્તિ સોસાયટી પ્લોટ નંબર 120માં બનાવ બન્યો હતો. અહીં રહેનાર પૂજાબેનના બે મહિના
પહેલાં અરવિંદ ચૌહાણ સાથે કોર્ટ મેરેજ થયા હતા. તેમની સાથે તેમના અગાઉના દામ્પત્ય જીવનમાં
પ્રાપ્ત થયેલ ચાર વર્ષનું બાળક પણ રહેતું હતું. આ મહિલા ગઇકાલે સાંજે ઘરે હતા દરમ્યાન
લોખંડના પાઇપમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. બે મહિના
પહેલાં પરણેલ આ મહિલાએ કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તેની વધુ તપાસ અંજાર ડીવાય.એસ.પી.એ
હાથ ધરી છે.