• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

લાખિયારવીરામાં સાધુ વેશમાં આવેલા ધુતારાએ પોણા ત્રણ લાખ ધુત્યા

ભુજ, તા. 30 : નખત્રાણા તાલુકાના લાખિયારવીરા ગામે સાધુ વેશમાં આવેલા ધુતારાએ વિશ્વાસ કેળવી વિધિનાં નામે રૂા. 74,700નાં ઘરેણાં અને બે લાખ ઉછીના લઇ છેતરપિંડી કરતાં ત્રણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. આ અંગે આજે નખત્રાણા પોલીસ મથકે લાખિયારવીરાના વિમળાબેન લધારામ સથવારાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 15/9ના સવારે સાધુ વેશમાં એક માણસ આવ્યો હતો અને અમારી સાથે પૂજા-પાઠની વિવિધ વાતો કરી વિશ્વાસ કેળવ્યો હતો અને ફરિયાદીના પતિના ફોન નંબર લીધા હતા. અ બાદ તા. 20/9ના ફરિયાદીના પતિને તે સાધુનો ફોન આવ્યો ને કહ્યું કે, એક ચુંદડીમાં નાળિયેર, સોપારી, લાલ મરચાં, લીંબુ તથા ઘરમાંના બધાં ઘરેણાં કપડામાં વીંટી ઘરના મંદિરમાં રાખી દેજો અને હું તમને વિધિ કરી આપીશ. આ બાદ તા. 23/9ના ફરી ફોન આવ્યો અને વિધિના પોટલા સાથે કોટડા (જ.)ના ત્રણ રસ્તા પાસે આવવા જણાવતાં દંપતી ત્યાં ગયું હતું. રાતે નવેક વાગ્યે બાવળોની ઝાડીમાં લઇ ગયા હતા જ્યાં અન્ય બે અજાણ્યા પણ હતા, ત્યાં પોટલાની વિધિ કરી પોટલું લોખંડની પેટીમાં મૂકી દેવા કહ્યું હતું અને તે ન કહે ત્યાં સુધી ખોલવાની નથી તેવું જણાવ્યું હતું. પેટી લઇને ઘરે આવ્યા બાદ બીજા દિવસે ફરી સાધુનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, એક દરબારનો છોકરો બીમાર છે જેની વિધિ માટે રૂપિયા બે લાખની જરૂર છે. ફરિયાદી દંપતી પાસે રૂપિયા ન હોવાથી ના પાડી હતી. આથી સાધુએ કહ્યું કે, તમારી શાખ સારી છે, કોઇ પાસેથી ઉછીના લઇને આપો. તેને સગવડ કરી આપી દઇશું. વિશ્વાસમાં આવેલાં દંપતીએ મિત્ર અને સંબંધી પાસેથી બે લાખ ઉછીના લઇ સાધુને આપ્યા હતા. આ બાદ અવારનવાર પૈસા માટે સાધુનો ફોન આવવા લાગતાં દંપતીને શંકા જતાં પોટલાની વિધિ કરી પેટીમાં મૂકેલું પોટલું જોવા પેટી ખોલતાં પોટલું ગુમ હતું. આ પોટલામાં સોના-ચાંદીના વિવિધ ઘરેણાં જેની કિં. રૂા. 74,700 હતી. આમ, સાધુ સહિત ત્રણ અજાણ્યા શખ્સે ધૂતી કુલે રૂા. 2,74,700ની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang