ગાંધીધામ, તા. 4 : અંજાર વીડી રોડ પર સબ જેલ નજીક પોલીસે એક
ટ્રક સાથે બે શખ્સોને પકડી પાડી તેમની પાસેથી 16 અબોલ જીવને મુક્ત કરાવાયા હતા. અંજારમાં
ગત રાત્રે પોલીસે બાતમીના આધારે ટ્રક નંબર જી.જે. 24-એક્સ, 7565 વાળી પકડી લીધી હતી
તેમાંથી બનાસકાંઠાના મહમદખાન જુશબખાન બ્લોચ તથા મુંબઇના અસ્લમ મહમદ દરજી શેખની અટક
કરવામાં આવી હતી. ટ્રકના ઠાઠામાં 9 ભેંસ અને
7 બચ્ચા ખીચોખીચ, પાણી, ઘાસચારાની વ્યવસ્થા વગર ઠસોઠસ ભરવામાં આવ્યા હતા. આ શખ્સોએ
દેવળીયાના હનિફ કાસમ બાયડ પાસેથી ભેંસો લીધી હતી. હનિફે અલગ-અલગ માલધારીઓ પાસેથી ખરીદ
કરી તેમને આ અબોલ પશુ આપ્યા હતા તેમજ માલધારી
સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ભરત દેવા આહીર પાસેથી આધાર પુરાવા મેળવવાના હતા. દરમ્યાન
પોલીસે આ વાહન પકડી પાડયું હતું. પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની જુદી-જુદી
કલમો તળે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.