• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

ભચાઉમાં સાળાએ બનેવીની નીપજાવી હત્યા

ગાંધીધામ, તા. 27 : ભચાઉના હિંમતપુરા ફૂલવાડી વિસ્તારમાં પગપાળા જતા વિનોદ ઉર્ફે જિગર પ્રેમજી કોળી (ચૌહાણ) નામના યુવાન ઉપર કાર ચડાવી દઇ તેની હત્યા નીપજાવાઇ હતી. આ બનાવના બે આરોપીને પોલીસે રાઉન્ડ-અપ કરી લીધા હતા. ભચાઉના રેલવેમથક બાજુ કારિયાધામ પાસે રહેનાર અને છૂટક મજૂરી કરનાર વિનોદ નામનો યુવાન ગત તા. 25/2ના રાત્રિના 8.15ના અરસામાં પગપાળા જઇ રહ્યો હતો, તે હિંમતપુરા ફૂલવાડી વિસ્તારમાં વિજયભાઇ દાફડાના ઘરની સામે માર્ગની બાજુએથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે બોલેરો કેમ્પર ગાડી નંબર જીજે-36-વી-2531એ તેને હડફેટમાં લેતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી જેમાં તેણે દમ તોડી દીધો હતો. અકસ્માતને લાગતો આ બનાવ હત્યાનો હોવાનું બહાર આવ્યું હતું. આ યુવાન 2022માં એક કિશોરીને લઇને નાસી ગયો હતો જે અંગે તેની સામે ગુનો પણ નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. બાદમાં આ યુવાન તથા યુવતીએ વર્ષ 2023માં પ્રેમલગ્ન કરી લીધા હતા. તેમના આ દામ્પત્ય જીવન દરમ્યાન છ મહિના અગાઉ એક સંતાનની પ્રાપ્તિ થઇ હતી. યુવાને પ્રેમલગ્ન કરતાં યુવતીના પરિવારજનોને મનદુ:ખ અદાવત હતી, જેનું ખુન્નસ રાખીને બુધવારે રાત્રે હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. આ યુવાન પગપાળા જઇ રહ્યો હતો, ત્યારે મેહુલ લાખા કોળી નામના શખ્સે બોલેરો ગાડી હંકારી વિનોદને હડફેટમાં લઇ તેની હત્યા નીપજાવી હતી. બહેનના પતિની હત્યા નીપજાવવામાં તેને તેના મિત્ર હર્ષદ શૈલેષ પ્રજાપતિએ મદદ કરી હતી. ડ્રાઇવિંગ કરનાર આ હર્ષદે પોતાના શેઠની ગાડી લઇ આવી મેહુલને ચલાવવા આપી હતી તેમજ બનાવ વખતે તે આરોપીની સાથે બેઠો હતો. હત્યાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે બંને આરોપીને રાઉન્ડ-અપ કરી લીધા હોવાનું તપાસકર્તા પી.આઇ. ડી. ડી. ઝાલાએ જણાવ્યું હતું. 

Panchang

dd