• બુધવાર, 15 મે, 2024

શિરવાના પ્રૌઢ ખેડૂતને દારૂના કેસમાં ફિટ કરાવાનો ડારો દઇ 1.42 લાખ ખંખેર્યા

ભુજ, તા. 28 : માંડવી તાલુકાના શિરવાના પ્રૌઢ ખેડૂત સાથે મિત્રતા કેળવી પાર્ટી પ્લોટમાં લઇ જઇ દારૂની બોટલ સાથે ફોટા પાડી લીધા બાદ પોતે પોલીસ હોવાનું કહી દારૂના કેસમાં ફિટ કરી દેવાનો ડારો આપી `વ્યવહાર'ના મુદે્ વારંવાર ટુકડે-ટુકડે રૂા. 1.42 લાખ ત્રણ શખ્સે ખંખેર્યા હતા. અંતે કેસમાં નકલી પોલીસ બનેલા ત્રગડીના શખ્સને પોલીસે પકડી પાડયો છે. સમગ્ર બાબત અંગે શિરવાના 63 વર્ષીય ખેડૂત છગનલાલ મઠુભાઇ ચાંદરા (ભાનુશાલી) માંડવી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અંદાજે એકાદ વર્ષ પૂર્વે તેઓ ખરીદી માટે માંડવી આવતા ત્યારે ચાની કિટલી પર કિશોર ઉર્ફે પપ્પુ કંસાર (રહે. માંડવી, હાલ શિરવા) અવારનવાર મળતાં મિત્રતા થઇ હતી. થોડા દિવસો બાદ તે તેના મિત્રના પાર્ટી  પ્લોટના ઓપાનિંગમાં મસ્કા રોડ પર લઇ ગયો હતો. જ્યાં અંદરથી દારૂની બોટલ લઇ આવ્યો હતો અને થોડીવારમાં બે અજાણ્યા શખ્સ આવ્યા હતા અને કહ્યું કે, અમે પોલીસમાં છીએ, તારા પર દારૂનો કેસ કરશું અને એકે ફરિયાદીનો દારૂની બોટલ સાથે ફોટો પાડી લીધો હતો. કિશોરે કહ્યું કે, પોલીસવાળા છે. તમને દારૂના કેસમાં ફસાવી દેશે. જેથી રૂા. 60 હજારનો વ્યવહાર કરવો પડશે. આથી બીજા દિવસે કિશોરને 60 હજાર રૂપિયા ફરિયાદીએ આપ્યા હતા. બાદ આજથી એકાદ માસ પૂર્વે શક્તિસિંહ પોલીસવાળો બોલું છું અને તમારી ઉપર પોલીસે દારૂની રેડ કરી હતી તેમાં બે આરોપી પકડાઇ ગયા છે, હવે તમારું નામ ખૂલેલ છે. જેથી વ્યવહાર કરવો પડશે નહીંતર તમારી અટક થશે. તમારે એક લાખ આપવા પડશે. રકઝકના અંતે 30 હજાર આપવાનું નક્કી થયું અને શક્તિસિંહ લઇ ગયો હતો. તેના સપ્તાહ બાદ ફરી શક્તિસિંહનો ફોન આવ્યો... ભુજ પોલીસ અને મોટા સાહેબને ખબર પડી ગઇ છે. 50 હજાર આપવા પડશે અને ફરી રકઝક બાદ  28000 આપ્યા અને સપ્તાહ પૂર્વે ફરી ગાંધીનગર પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી ગયાનું  જણાવી 24000 લઇ લીધા બાદ ચાર દિ' પૂર્વે ફરી 25000ની માગણી સાથે શક્તિસિંહનો ફોન આવ્યો હતો. ફરિયાદી પ્રૌઢે કહ્યું કે, હવે હું નાણાં આપી શકું તેમ નથી. આથી ગાળા-ગાળી કરી, કેસમાં ફિટ થઇ જશો. અટક કરવાની ધમકી આપી હતી. આથી ફરિયાદી ગભરાઇ અને તણાવમાં આવી ગયા બાદ પુત્રને વાત કરતાં તેના આશ્વાસનથી પોલીસને   બાબતની વિગતે જાણ કરાઇ હતી. બાદ નાણાં લેવા આવનાર આરોપી શક્તિસિંહને માંડવી પોલીસે ટ્રેપ ગોઠવીને દબોચી લીધો હતો. ફરિયાદીએ કિશોર ઉર્ફે પપ્પુ અને શક્તિસિંહ ભરતસિંહ જાડેજા (રહે. ત્રગડી) અને  અજાણ્યા શખ્સ વિરુદ્ધ કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત માહિતગારો- પોલીસેથી મળેલી જાણકારી મુજબ શક્તિસિંહ અગાઉ પણ નકલી પોલીસ બની પટેલ યુવકને કેસ કરવાની ધમકી આપી નાણાં પડાવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં અસલી પોલીસ આવી ચડતાં તે નાસી છૂટયો હતો અને તેની ઉપર કેસ થયો હતો. શક્તિસિંહ નકલી પોલીસ બનીને અન્ય કેટલાને ખંખેર્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ આદરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang