• બુધવાર, 15 મે, 2024

રાપર તા.માં ખનિજ ચોરો પર તવાઇ : 34 કરોડનો દંડ

ગાંધીધામ, તા. 28 :  રાપર તાલુકામાં રોયલ્ટી વિના કે બોગસ રોયલ્ટીથી ખનિજચોરી કરનારાને ખાણ અને ખનિજ વિભાગ દ્વારા 34 કરોડનો દંડ ફટકારાયો હતો. ચાઈનાકલે (સફેદ માટી) અને રેતી જેવા ખનિજ દ્રવ્યો રાપર તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં ધરબાયેલા છે. રાપરનાં ફતેહગઢથી શીવગઢ મૌવાણા, માખેલ, ટગા અને એવાં અન્ય અનેક સ્થળોએ આવી ચાઈનાકલેની ખાણો આવેલી છે તો વિસ્તારમાં આવતાં ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં પણ આવાં ખનિજ ચોરીછૂપીથી અને સાચા ખોટા રોયલ્ટી પાસ બનાવી ખનિજચોરી ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે ત્યારે ખાણ ખનિજ વિભાગ દ્વારા અવારનવાર કાર્યવાહી થતી હોય છે પરંતુ ઉપરછલ્લી કાર્યવાહી કરી સંતોષ માની લેવામાં આવતો હોય છે. પણ ગત જાન્યુઆરી મહિનામાં કલેક્ટરની રાપર મુલાકાત દરમિયાન ખાણ ખનિજ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અમિત અરોરાનાં માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામક ખાણ ખનિજ વિભાગની ફલાઈંગ સ્ક્વોડ અને ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુન્દાસિંહ સુર્યવંશી દ્વારા ફતેહગઢ વિસ્તારમાં દરોડા પાડી ધાક બેસાડતી કાર્યવાહી કરી બોગસ રોયલ્ટી અને અન્ય સાહિત્ય કબજે કરી ઉચ્ચ કક્ષાએ તપાસ માટે મોકલી અપાયાં હતાં. જે સબબ ફતેહગઢ વિસ્તારમાં બોગસ રોયલ્ટી ચોરી સાબિત થતાં કલેક્ટર કચેરી અને ખાણ ખનિજ વિભાગ દ્વારા આમાં સંડોવાયેલા તત્વોને રૂા. 34 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં ભારમલ રામજી ચૌધરીને 7,24,38325, પંકજ નરસી પટેલને 2,75,61,354, કનૈયાલાલ મણીલાલ ઠક્કરને 99749289, ફંકજ નરસી પટેલને 79349289, દેવાસિંહ જેમલાસિંહ ચૌહાણને 25511725 અને રુદ્રાસિંહ બહાદૂરાસિંહ વાઘેલાને 32964733નો દંડ ફટકારાયો હતો. આમ કુલ 33,76,02,449 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતાં રોયલ્ટી ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ઉલ્લેખનીય છે કે, કાર્યવાહી ગત છવ્વીસમી જાન્યુઆરીના જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં આવેલા કલેક્ટરની સીધી સૂચનાથી ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુન્દાસિંહ સુર્યવંશી દ્વારા ખાણ ખનિજ વિભાગ સાથે સંયુક્ત રીતે કરવામાં આવી હતી જે અનુસંધાને આખી બોગસ રોયલ્ટી પાસ આપતી ઓફિસ પણ પકડાઈ હતી અને ભાંડો ફૂટ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang