• બુધવાર, 01 મે, 2024

માધાપર પોલીસમાં દાખલ દુષ્કર્મ કેસમાં બે આરોપી નિર્દોષ : ખાખરના 26.36 લાખના દારૂ કેસમાં જામીન

ભુજ, તા. 17 : તાલુકામાં માધાપર પોલીસ મથકમાં દાખલ થયેલા અપહરણ અને બળાત્કાર સહિતની કલમો સાથેના ફોજદારી કેસમાં આરોપી દીક્ષિત ધરમશી લાઠિયા અને ભરત વિઠ્ઠલ માવાણીને નિર્દોષ ઠેરવતો ચુકાદો ખાસ અદાલતે આપ્યો હતો, તો બીજીબાજુ નાની ખાખર (મુંદરા) ગામેથી ટેન્કરમાં લઇ અવાયેલા રૂા. 26.36 લાખના અંગ્રેજી પ્રકારના દારૂના કેસમાં રાજસ્થાનથી ધરપકડ કરી અવાયેલા તહોમતદાર રમેશ ચેનારામ ભાદુ (બિશ્નોઇ)ને સેશન્સ કોર્ટ દ્વારા જામીનમુક્તિ અપાઇ હતી. સગીર વયની કન્યાના અપહરણ અને તેની સાથે દુષ્કર્મ આચરવા સાથેના આરોપવાળો ગુનો માધાપર પોલીસ મથકે આારોપી દીક્ષિત લાઠિયા સામે નોંધાયો હતો, તો કેસની તપાસ દરમ્યાન મદદકર્તા તરીકે ભરત માવાણીની ધરપકડ કરાઇ હતી. ચાર્જશીટ બાદ કેસની સુનાવણી ભુજ ખાસ અદાલત સમક્ષ થઇ હતી. ન્યાયધીશ પી.એમ. ઉનડકટે બન્ને પક્ષને સાંભળી જરૂરી આધાર-પૂરાવા તપાસી બન્ને આરોપીને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. આરોપીઓના વકીલ તરીકે ભુરુભા આર. જાડેજા, સંજય પી. કેનિયા, શિવપાલાસિંહ . વાઘેલા, દિવ્યાબેન ટી. બારમેડા અને પી.બી. ઠાકોર રહ્યા હતા.  જ્યારે રાજ્ય બહારથી ટી.સી. ટેન્કરમાં લઇ અવાયેલો રૂા. 26.36 લાખનો શરાબ નાનીખાખર ગામેથી પોલીસ દ્વારા પકડાયો હતો. કેસની તપાસ દરમ્યાન પોલીસ રાજસ્થાન જઇને આરોપી તરીકે જેની સંડોવણી બહાર આવી તે રમેશ ભાદુને પકડી લાવી હતી. ધરપકડ બાદ સેશન્સ કોર્ટ સમક્ષ આરોપી માટે જામીન અરજી મુકાઇ હતી. બન્ને પક્ષને સાંભળી તહોમતદારને જામીન આપતો આદેશ ન્યાયધીશે કર્યો હતો. આરોપીના વકીલ તરીકે રાજેશ માણેકભાઇ ગઢવી, સી.એચ. આચાર્ય, નારાણ . ગઢવી, વી.કે. ગઢવી રહ્યા હતા. - ચેકના કેસમાં છુટકારો  : હાથઉછીના લીધેલા રૂા. સાડા ચાર લાખના બદલામાં અપાયેલો ચેક બેન્કમાંથી પરત ફરતાં ભુજ તાલુકાના માધાપર ગામના પંકજ પ્રાણજીવન ગોર દ્વારા કરાયેલા નેગોશિયેબલ ધારા હેઠળના કેસમાં આરોપી માધાપરના સુરેશ હિરાલાલ મારવાડાને નિર્દોષ ઠેરવતો ચુકાદો અપાયો હતો. ફરિયાદ પક્ષ તેની ફરિયાદ સાબિત કરી શક્યાના તારણ સાથે ભુજની ચીફ કોર્ટે ચુકાદો આપ્યો હતો. આરોપીના વકીલ તરીકે કે.એમ. પટેલ, એલ.ડી. મહેશ્વરી અને કાંતાબેન વેકરિયા રહ્યા હતા. - દાવો મંજૂર કરાયો  : નખત્રાણા તાલુકાના વડવાકાંયા ગામે સર્વે નંબર 71/1 ખાતે આવેલી જમીન સંબંધી વિવાદમાં વાદી હિરજી હંસરાજ પટેલ અને નારાણ હંસરાજ પટેલના વારસદારો દ્વારા કરાયેલો દાવો ભુજ અધિક સિવિલ કોર્ટના ન્યાયધીશ પી.બી. બોહરા દ્વારા મંજૂર કરતો હુકમ કરાયો હતો. જમીન વાદીની માલિકી અને કબજા-ભોગવટાની હોવાનું જણાવી પ્રતિવાદીઓ અંતરાય કે અડચણ કરે તેવો આદેશ ચુકાદામાં કરાયો હતો. કેસમાં વાદીના વકીલ તરીકે અરાવિંદ આર. લિંબાણી અને જિજ્ઞેશ સી. ધોળુ રહ્યા હતા. - શ્રીસરકાર હુકમ રદ્દ કરાયો  : અબડાસાના ગઢવાડા ગામે  આવેલી ખીમજી બુધિયા અને થાવર બુધિયાની વડિલોપાર્જિત જમીન બાબતે જૂની નોંધોનો આશરો લઇને સુઓમોટો સાથે જમીન શ્રીસરકાર કરવાના જિલ્લા કલેક્ટરના નિર્ણયને સિનિયર સિવિલ જજની અદાલતે રદ્દ કરતો આદેશ કર્યો હતો. સાક્ષીઓ ઉપરાંત 88 દસ્તાવેજી પૂરાવા તપાસી ચુકાદો અપાયો હતો, તો જમીનના મહેસૂલી રેકોર્ડમાં શ્રીસરકાર દૂર કરી ખાતેદારોના નામ દાખલ કરવા આદેશ કરાયો હતો. કેસમાં જમીનમાલિક વતી વકીલ તરીકે દેવાયત એન. બારોટ અને ખીમરાજ એન. ગઢવી સાથે ઉમૈર સુમરા, રામ ગઢવી, ખુશાલ મહેશ્વરી અને નિરંજન સાધુ રહ્યા હતા.- દાવો નામંજૂર કરતો હુકમ  : અંજાર તાલુકાના રાતાતળાવ ખાતે જમીનમાં અપપ્રવેશ સહિતની ફરિયાદો સાથે કરાયેલા દાવાને નામંજૂર કરતા અંજાર અધિક સિનિયર સિવિલ જજની અદાલતે કર્યો હતો. કૃતિ પાવર પ્રાઇવેટ પ્રોજેક્ટ લિ. સામે દાવો કરાયો હતો. કેસમાં પ્રતિવાદી પ્રોજેક્ટ વતી વકીલ તરીકે રિદ્ધિ એચ. મહેતા હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang