વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન
સાથે ચર્ચા-વિચારણા અને વાટાઘાટ કરીને વ્યાપાર ઉદ્યોગમાં સહયોગની સમજૂતી કરી છે તે
મહત્ત્વની અને ભારતના વિકાસ માટે ઘણી લાભદાયક
છે, પણ આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાની
સરકારે સોશિયલ મીડિયાના ઘોર દુરુપયોગ અને કિશોર વયનાં બાળકો ઉપર તેની અસર રોકવા માટે
જે કાનૂની પગલાં લીધાં છે તેની ભારોભાર પ્રશંસા કરી છે. એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયાના અનુભવ ઉપરથી ભારતને ઘણું જાણવા-શીખવા મળ્યું છે એમ પણ કહીને
ભારત હવે કિશોરોની નવી પેઢીને સોશિયલ મીડિયાના કુપ્રચારનો ભોગ બનતી બચાવવા માટે અનુકરણ
કરશે એવો નિર્દેશ પણ આપ્યો છે, જે આવકારપાત્ર છે. સોશિયલ મીડિયાના
નિરઅંકુશ પ્રસારનો પ્રભાવ બાળકોનાં માનસ ઉપર પડે છે - તે કોઈ કેફી દ્રવ્યના વ્યસનની
જેમ બરબાદી કરે છે અને આ વાસ્તવિક ભયસ્થાનની ચર્ચા હવે વિશ્વમાં થઈ રહી છે,
ચિંતા પણ વ્યક્ત થાય છે, પણ ઘણા ઓછા દેશોએ તેમની
ઊગતી યુવા પેઢીને બચાવવાના પ્રયાસ કર્યા છે. હકીકતમાં સમૃદ્ધ દેશોમાં જે છૂટછાટ અને
યુવા પેઢીને અમર્યાદ આઝાદી આપી છે તેની અસર દુનિયાના વિકસતા દેશો ઉપર પડી છે. પરિણામે
સમસ્ત યુવા પેઢીનું ભવિષ્ય બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે. ભારતમાં આઈટી વિભાગના પ્રધાન
અશ્વિની વૈષ્ણવે પણ આ દિશામાં ભયસૂચક રેડ લાઇટ બતાવી છે અને સોશિયલ મીડિયા કંપનીઓ સાથે
ચર્ચા કરીને શ્રોતા-દર્શકોની વયને આધારિત નિયંત્રણો મૂકવાની વિચારણા થઈ છે અને હજુ
થઈ રહી છે, ત્યારે વડાપ્રધાન મોદીએ નિર્દેશ આપ્યા પછી આ દિશામાં
ઝડપી પગલાં આવવાની આશા વધી છે, હકીકતમાં હવે રાહ જોવાઈ રહી છે.
ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી વયના
કિશોર વર્ગ માટે સોશિયલ મીડિયાની `બારી' બંધ કરવાની કાનૂની જોગવાઈ કરી છે.
વિશ્વભરમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દેશ છે, જ્યાં ઇન્સ્ટાગ્રાફ,
ફેસબૂક, ટિકટોક, યુ-ટયુબ
તથા સ્નેપચેટ જેવાં પ્લેટફોર્મનો ઉપયોગ સોળ વર્ષથી નીચેની વયનાં બાળકો માટે પ્રતિબંધિત
છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયાએ કરેલી પહેલ સમગ્ર
દુનિયા માટે પ્રેરણા, માર્ગસૂચક છે. ભારતમાં કર્ણાટકમાં સોળ વર્ષની
વય સુધીનાં બાળકો માટે પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે. આંધ્રમાં તેર વર્ષની વયમર્યાદા
છે અને ગોવામાં પણ તૈયારી થઈ રહી છે. વડાપ્રધાને સ્પષ્ટ નિર્દેશ આપ્યા પછી હવે ભારતભરમાં
- અન્ય રાજ્યોએ આ દિશામાં સમયસર અને વયબદ્ધ નિયંત્રણો જાહેર કરવા જોઈએ. સોશિયલ મીડિયાના
નિરંકુશ ઉપયોગ બાળમાનસ પર વિપરીત અસર કરે છે, કિશોર વયે આવતો
ઉશ્કેરાટ, સ્ટ્રેસની ગંભીર અસર નીપજાવે છે. રમવાની, જાણવાની, ભણવાની, વિકસવાની ઉંમરે
મોબાઇલ, લેપટોપમાં બંધાઇ જતા ભારતીય બાળમાનસને પણ યોગ્ય નિયંત્રણ
સાથે ઉગારી લેવાની આવશ્યકતા છે.