ત્રણ દેશના વિદેશ પ્રવાસના બીજા ચરણમાં ઓસ્ટ્રેલિયા પહોંચેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય સંબંધોને એક નવી ઊંચાઈ આપી છે. વડાપ્રધાન એન્થની
આલ્બનીઝે મોદી અને ભારતીય પ્રતિનિધિ મંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. શિખર મંત્રણા
બાદ બંને વડાપ્રધાને સંરક્ષણ, વેપાર,
ઊર્જા, અંતરિક્ષ વિજ્ઞાન, દુલર્ભ ખનિજ સહિતના ક્ષેત્રે સમજૂતીની ઘોષણા કરી. ઓસ્ટ્રેલિયાએ ભારત સાથે કરેલો
યુરેનિયમ કરાર ચીન તથા વિશ્વને સ્પષ્ટ સંદેશ છે કે, ભારતનો પરમાણુ
કાર્યક્રમ શાંતિપૂર્ણ ઉદ્દેશ સાથે હોવાની બાબતમાં ઓસ્ટ્રેલિયાને પૂરો ભરોસો છે. દેખીતી
રીતે મોદીની આ ડીપ્લોમસીથી ચીન ધુંધવાયું હશે. અહીં એ નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયા-ભારત બંને ક્વાડના સભ્ય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના
વિચિત્ર વલણ પછી ભારત ક્વાડના બીજા સભ્ય દેશો ઓસ્ટ્રેલિયા તથા જાપાન સાથે સીધા સંબંધ
પ્રસ્થાપિત કરી રહ્યું છે. મુખ્ય લક્ષ્ય હિન્દ-પ્રશાંત
ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને નિયમ આધારિત વ્યવસ્થા મજબૂત કરવાનું
છે. હજુ હાલમાં જ જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચીએ ભારતની મુલાકાત લીધી હતી,
જે દરમ્યાન મહત્ત્વપૂર્ણ કરાર પણ થયા હતા. આ રીતે ભારત, તેના વિશ્વાસપાત્ર ભાગીદાર દેશો સાથે લાંબા ગાળાની રણનૈતિક, રાજકીય અને આર્થિક સહયોગને પ્રાથમિકતા આપી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ મેલબોર્નનાં
માર્વેલ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના 30 હજારથી વધુ લોકોને સંબોધન
કર્યું અને ક્રિકેટ સ્ટેડિયમમાં પણ જઇને બંને દેશ વચ્ચેના રમતગમત સંબંધોની ગાંઠ મજબૂત
કરી વડાપ્રધાન મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ગયા એ સ્પોર્ટસ ડીપ્લોમસી સકારણ છે. આ વર્ષના
ગ્લાસગો ગેમ્સ પછીના કોમનવેલ્સ રમતોત્સવ (2030) અમદાવાદમાં યોજાવાનો છે, એ પછી 2036 ઓલિમ્પિક
ગેમ્સ માટે પણ ભારતે દાવેદારી નોંધાવી છે. 2047માં વિકસિત રાષ્ટ્ર બનવાના નિર્ધાર સાથે અગ્રેસર ભારત હવે સ્પોર્ટસ
પાવર બનવા સભાનપણે પ્રયત્નશીલ છે. મેલબોર્નમાં ભારતીય સમુદાયને સંબોધનમાં વડાપ્રધાને
પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર વખતની હાલત યાદ કરાવીને ચેતવણી આપી કે આતંકવાદ મુદ્દે નવું
ભારત હવે શૂન્ય સહિષ્ણુતાનો સ્વભાવ ધરાવે છે. સીમાપારથી નાનીસરખી ગુસ્તાખીની નાપાક
પાડોશીએ ગંભીર કિંમત ચૂકવવી પડશે. શ્રી મોદી અનેક દેશોમાં ભારતીય સમુદાયને આ રીતે મળતા
રહ્યા છે. તેમનું સંબોધન પરદેશમાં વસતા ભારતીયોમાં દેશ પ્રત્યેના પ્રેમ અને જનૂન વધુ
ઘટ્ટ બનાવે છે. ઓસ્ટ્રલિયા સાથે યુરેનિયમ સંધિ મહત્ત્વની છે. હકીકતમાં ભારતે યુરેનિયમનો
શાંતિપૂર્ણ હેતુઓ માટે વ્યાવસાયિક પુરવઠો સુગમ બનાવવાના આશયથી ઓસ્ટ્રેલિયા સાથે નાગરિક
પરમાણુ ઊર્જા કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ભારતના પરમાણુ ઊર્જા પરિયોજનાઓ માટે ઈંધણ
ઉપલબ્ધ કરાવી શકાશે. અહીં એ ઉલ્લેખ કરવો પ્રાસંગિક રહેશે કે, આ કરાર 12 વર્ષ પૂર્વે 2014માં થયેલા ઐતિહાસિક નાગરિક
પરમાણુ સહયોગ કરાર અંતર્ગત જ સંપન્ન થયો છે. આ સાથે જ ભારત અને ઓસ્ટ્રેલિયાએ દ્વિપક્ષીય
રોકાણ સંરક્ષણ સંધિ હેઠળ આર્થિક સંબંધોને વધુ વ્યાપક બનાવવા અંગે સહમતી વ્યક્ત કરી
છે. આમ તો બંને દેશોએ કુલ 18 કરારો પર
હસ્તાક્ષર કર્યા છે, જેમાં સંરક્ષણ,
સુરક્ષા સહયોગ તેમજ સાયબર ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ ટેકનોલોજી અને પુરવઠા
શૃંખલા માટેના કરારો બંને દેશો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. વાસ્તવિક સ્થિતિ એ
છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે દરિયાઈ સુરક્ષા સામે પડકાર
બની રહેલી ચીનની ગતિવિધિઓ ચિંતાનો મુખ્ય વિષય છે. ચીન દક્ષિણ ચીન સાગરની સાથેસાથે હિંદ
મહાસાગર અને પ્રશાંત મહાસાગરમાં એકાધિકાર જમાવવાની જે વ્યૂહરચના અપનાવી રહ્યું છે,
તે આજે નહીં તો આવતીકાલે વૈશ્વિક સ્તરે એક મોટો માથાનો દુ:ખાવો બનવાની
છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો કોઈ આકસ્મિક કે કારણ વગરના નથી, પરંતુ તેમાં નવી દિલ્હીના ચીન અને અમેરિકા બંને સાથેના સંબંધોની સાપેક્ષતા
ડોકાય છે. જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકારે પરમાણુ પરીક્ષણ કર્યું હતું,
ત્યારે જે દેશોએ તેનો સૌથી વધુ વિરોધ કર્યો હતો તેમાં ઓસ્ટ્રેલિયા પણ
સામેલ હતું, પરંતુ જ્યારે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને
ભારત પ્રવાસ પૂર્વે જ ભારત વિરુદ્ધના પ્રતિબંધો હટાવી દીધા, તેના
ગણતરીના સમયમાં જ ઓસ્ટ્રેલિયાએ પણ ભારત સામે લાદેલા તમામ પ્રતિબંધોનો અંત આણી દીધો
હતો. મેલબોર્નથી વડાપ્રધાન ન્યૂઝીલેન્ડના સત્તાવાર પ્રવાસે ઓકલેન્ડ પહોંચ્યા છે. ન્યૂઝીલેન્ડ
સાથે વેપારસંધિ કેન્દ્રમાં રહેશે.