દેશ-દુનિયામાં એવા અનેક મુદ્દા છે જે સમસ્યા-પ્રશ્નમાં ફેરવાઈ
જાય ત્યાં સુધી કોઈને તેની જાણ થતી નથી. તેના ઉકેલની દિશામાં પ્રયાસ પછી શરૂ થાય છે.
સૌરાષ્ટ્રમાં એક એવી સમસ્યા છે જેની સૌને જાણ છે,
તેની સર્વત્ર ચર્ચા થાય છે, પરંતુ તેનો ઉકેલ નથી
આવતો. સિંહ અને માનવનું સહઅસ્તિત્વ ફરી ચર્ચાની એરણે છે. સિંહ કે દીપડાનો માનવ ઉપર
હુમલો કે માણસ દ્વારા સિંહની રંજાડ, કંઈ પણ હોય વાત ફરી-ફરીને
એકની એક રહે છે. સિંહોનો ગ્રામ્ય વિસ્તારમાં વધતો વિહાર અને વનમાં માનવીઓનું વધતું
ભ્રમણ બંને બાબતો હવે સ્વયંસ્પષ્ટ છે છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. પાલીતાણાના ગરાજિયા
ગામે બનેલી ઘટના રાષ્ટ્રીય માધ્યમોનો વિષય બની. કાળુભાઈ નામના માલધારી ઉપર સિંહે હુમલો
કર્યો, તેમને પછાડયા અને પછી તે તેમની ઉપર બેસી ગયો. 30 મિનિટ સુધી આ ખેલ ચાલ્યો. સામાન્ય
રીતે તો પરિણામ એ જ આવે કે સિંહ માનવીને ખાઈ જાય,
પરંતુ અહીં આશ્ચર્ય થાય તેવી ઘટના બની, સિંહે માણસને
છોડી દીધો. સ્વાભાવિક રીતે તે દિવસ માટે તો એ જ અગત્યનો બનાવ હતો. સવાલ એ ઊઠે છે કે,
ભાવનગર વિસ્તારમાં પણ સિંહોની સંખ્યા અને તેનો વિહાર વધ્યો છે. સિંહ
માનવી ઉપર હુમલો કરે તેવી ઘટનાઓની સંખ્યા વધી છે. સાસણ સિવાયના વિસ્તારમાં આવું વધારે
થાય છે. પાલીતાણામાં પાવન પર્વત શેત્રુંજયના પગથિયે પણ સિંહની લટાર સામાન્ય ક્રમ બનતી
જાય છે. આ ઘટના પછી તાલાલા પાસે એક વિદ્યાર્થીને સિંહે ફાડી ખાધો, ગુરુવારે પણ એવો બનાવ બન્યો. બુધવારે સિંહ-સિંહણ બંનેએ માણસ ઉપર હુમલો કર્યો,
પરંતુ તેનું તો કારણ એ હતું કે, સિંહ યુગલ સંવનનમાં
હતું તેમાં એ વ્યક્તિએ ખલેલ પહોંચાડી હતી. મધ્ય ગીર સિવાયના વિસ્તારમાં ગામમાં,
નગરની નજીક સિંહ પહોંચે છે. મારણ કરે છે આ હવે સાધારણ વાત છે. વર્ષોથી
એક જ વાત થાય છે કે, સિંહને જંગલ ટૂંકું પડે છે. 10000 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું
ગીર અત્યારે 30000 ચોરસ કિલોમીટરમાં ફેલાયું છે.
જંગલ નાનું પડતું હોવાના કારણમાં સિંહની વધતી સંખ્યા-વસતી છે. બીજું મહત્ત્વનું કારણ
જંગલ વિસ્તારમાં માનવીઓની, વાહનોની આવન-જાવનમાં
થયેલો વધારો, જંગલ વિસ્તારમાં હોટલ-રિસોર્ટમાં થતો વધારો છે તે
વાત પણ નવી નથી. સિંહ સંવર્ધન માટે વનવિભાગના પ્રયાસ ઓછા નથી, પરંતુ પ્રવાસીઓ માટે જે મજા છે તે ગીર આસપાસના રહેવાસીઓ માટે સજા છે. પ્રશ્ન
ત્યાં આવે છે કે, ગામમાં કે કોઈ ઝૂંપડાંમાં સિંહ વારંવાર ત્રાટકે
ત્યારે શું કરવું? પાલિતાણા વિસ્તારના એક ગામના સરપંચે પૂછયું
જ છે કે, માણસ સિંહને મારે તો સજા છે, સિંહ
માણસને મારી જાય તેનું શું કરવાનું ? માનવ અને સિંહના સહઅસ્તિત્વ
માટે સૌરાષ્ટ્રનું દૃષ્ટાંત અત્યાર સુધી અપાય છે. એકાદ-બે ઘટના બને એટલે આ દૃષ્ટાંત
ખોટું પણ નથી પડી જતું પરંતુ માનવ વસાહત તરફ સિંહનું આવી ચડવું, હુમલા કરવા જેવી ઘટનાનું કાયમી નિરાકરણ થાય તે જરૂરી છે. સમસ્યાની સૌને જાણ
છે, ઉકેલ શું ?