45 અખર કેન્દ્રમાં 450 દીકરીને શિક્ષણના પ્રવાહમાં જોડવા ભુજની માતૃછાયામાં
જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
ભુજ, તા. 12 : જિલ્લા વહીવટી તંત્ર
અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી `કચ્છ
મહિલા વિકાસ સંગઠન' દ્વારા કચ્છના આંતરિયાળ વિસ્તારોનાં 45 `અખર કેન્દ્ર'માં 450 જેટલી દીકરીને અભ્યાસમાં
પુન: જોડવાનો પ્રસંશનીય કાર્યક્રમ ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે યોજાયો હતો.
અનોખા આ કાર્યક્રમનો પ્રારંભ માટીનાં કૂંડાંમાં બીજનાં આરોપણથી કરવામાં આવ્યો હતો.
કચ્છ મહિલા વિકાસ સંગઠનનાં સંચાલક કૃતિબેન લહેરુએ ઉપસ્થિત સૌને આવકારી 37 વર્ષથી મહિલાઓનાં ઉત્થાન માટે થતાં ભગીરથ કાર્યની વાત
કરી હતી. મુખ્ય મહેમાન કચ્છના કલેક્ટર અનિલ રાણાવસિયા, ડીવાય.એસ.પી. ડો. વિશ્વા શાહ, જિલ્લા શિક્ષણાધિકારી
સંજય પરમાર, માતૃછાયા કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી રજનીભાઈ પટવાનું
સંસ્થાની દીકરીઓએ સ્વાગત-સન્માન કર્યું હતું. કલેક્ટર શ્રી રાણાવસિયાએ આવા કાર્યક્રમ
બદલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને કચ્છ મહિલા વિકાસ સંગઠનની પીઠ થાબડી દીકરીઓને પૂરતા
લગનથી અભ્યાસ ચાલુ રાખવા અને ઉચ્ચ ડિગ્રી મેળવી સમાજમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા
આહ્વાન કર્યું હતું. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાંથી આવતી દીકરીઓની માતાને પણ અભિનંદન
આપી શિક્ષણની યાત્રા અવિરત રાખવા જણાવ્યું હતું. આ તબક્કે અખર કેન્દ્રોમાંથી ગત વર્ષે
399 જેટલી દીકરીએ એસ.એસ.સી.ની પરીક્ષા આપી હતી, તેમાંથી ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયેલ અને ચાલુ વર્ષે પ્રવેશ મેળવનાર દીકરીઓનું સન્માન
કરાયું હતું. દીકરીઓએ શિક્ષણને ભેટ મળવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ
પોતાનાં ઉદબોધનમાં છેલ્લાં ચાર વર્ષથી દીકરીઓને વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ અભ્યાસમાં
જોડવાના પ્રયાસોની વાત કરી હતી. ચાલુ સાલે શરૂ થયેલ 38 શાળાઓમાં પણ પ્રવેશ મેળવવા તંત્ર તેઓની સાથે હોવાનું
જણાવ્યું હતું. પૂર્વ કચ્છની શરૂ થનાર અલાયદી
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ચાર્જ મળવા બદલ સંજય પરમારનું સન્માન કચેરીના
શિક્ષણ નિરીક્ષક પૃથ્વીરાજાસિંહ ઝાલા,
મહેશદાન ગઢવી અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક પરેશભાઈ અજાણી દ્વારા કરાયું
હતું. કાર્યક્રમના પ્રથમ સેશનનું સંચાલન `હોમ્સ ઈન ધ સિટી'ના જય અંજારિયાએ કર્યું હતું. આજના
આ કાર્યક્રમમાં `કચ્છ મહિલા વિકાસ
સંગઠન'ના કૃતિબેન લહેરુ, અરૂણાબેન ધોળકિયા તેમજ સમગ્ર ટીમ, `કાર્બન એજ કંપની'ના અનુરાગ પન્ના અને પાયલબેન, માતૃછાયા કન્યા વિદ્યાલયનાં
આચાર્યા સુહાસબેન તન્ના તેમજ સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા
કચ્છ મહિલા વિકાસ સંગઠનના કાર્યકર્તાઓ, જિલ્લા શિક્ષણાધિકારી
કચેરી ટીમ તેમજ માતૃછાયા પરિવારે જહેમત ઉઠાવી હતી. રેન્જ આઈ.જી. ચિરાગ કોરડિયા તેમજ
પોલીસ અધીક્ષક પશ્ચિમ કચ્છ વિકાસ સુંડાએ આવા નવતર કાર્યક્રમ બદલ શુભકામના પાઠવી હતી.
મોટી સંખ્યામાં દીકરીઓ, માતાઓ અને `અખર સેન્ટર'
પ્રશિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.