મધ્ય-પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સમજૂતી
અંગે દુનિયાભરમાં વ્યાપેલી ચિંતા અને અનિશ્ચિતતા આખરે સાચા ઠરી રહ્યા છે. હોર્મુઝને
પોતાની હકૂમત હેઠળ રાખવા મરણિયા બનેલા ઈરાનની સામે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે
શાંતિ કરારનો અંત આણીને ઈરાન પર હુમલા શરૂ કર્યા છે. ઈરાને પણ વળતા હુમલા કરતાં દુનિયાના
શ્વાસ ફરી અદ્ધર થઈ ગયા છે. ક્રૂડ તેલ,
ગેસ અને ઈંધણના પુરવઠાને ઠપ કરી ચૂકેલા આ જંગને ઈરાન અને અમેરિકા વચ્ચેના
કરારે અલ્પવિરામ મૂકયું હતું. બન્ને દેશોના નેતાઓનાં નિવેદનો અને શાંતિ કરારની શરતોના
અમલમાં થઈ રહેલા વિલંબને જોતાં વિશ્વના દેશોમાં જંગ ફરી ફાટી નીકળે એવો અંદેશો વધી
રહ્યો હતો. હોર્મુઝમાં કતર સહિતના ત્રણ માલવાહક જહાજો પર હુમલાએ સ્ફોટક વાતાવરણમાં
ચિનગારી ચાંપી દીધી છે. ઈરાનના આ હુમલાને પગલે ટ્રમ્પે યુદ્ધ વિરામના કરારનો અંત આણીને
ફરીથી હુમલા શરૂ કરી દીધા છે. અમેરિકાએ મંગળવારે ઈરાની ઠેકાણા પર હુમલા કર્યા હતા અને
જવાબમાં ઈરાને પણ આરબ દેશોમાં અમેરિકન લશ્કરી થાણાને નિશાન બનાવ્યા હતા. બુધવારે અમેરિકાએ
ફરીવાર વ્યાપક અને ભારે હુમલા કર્યાના અહેવાલ છે. ઈરાન હવે શાંત નહીં રહે એવી પૂરી
શક્યતા છે. આમ સરવાળે દુનિયાની સામે આ જંગને લીધે ફરી અનિશ્ચિતતા ઊભી થઈ ચૂકી છે. ઈરાન
અને અમેરિકા વચ્ચેનો આ સંઘર્ષ કોઈ વિસ્તાર પૂરતો મર્યાદિત રહ્યો નથી. તેની અસર વિશ્વના
દેશોનાં અર્થતત્ર પર વર્તાશે. વૈશ્વિક શાંતિ, આર્થિક સલામતી અને
ઈંધણ સલામતીના મુદ્દાને સીધી રીતે અસર કરતાં મધ્ય-પૂર્વના સંઘર્ષે ફરીવાર ચિંતા ઊભી
કરી છે. દુનિયાના શેરબજારમાં કડાકો બોલી રહ્યો છે અને ક્રૂડ તેલ-ગેસના ભાવો ફરી ભડકે
બળે એવી સ્થિતિ સર્જાઈ રહી છે. આમ તો ઈરાન અને અમેરિકા વચ્ચે અવિશ્વાસ વર્ષો જૂનો છે.
અમેરિકાનો દાવો છે કે, ઈરાનનો અણુ કાર્યક્રમ દુનિયા માટે જોખમી
છે, તો બીજી તરફ ઈરાન એમ માને છે કે, કોઈપણ
લશ્કરી દબાણ તળે સમજૂતી થઈ શકે તેમ નથી. આમ આ સંઘર્ષ ફરી તીવ્ર બને તો ઈરાનની પડોશના
અમેરિકન મિત્ર આરબ દેશોની માથે જોખમ વધી શકે છે. સાથોસાથ હોર્મુઝમાં માલવાહક જહાજોની
અવરજવર સામે જોખમ ઊભું થઈ ગયું છે. ઇરાને અમેરિકી હુમલાના વિરોધમાં ફરી હોર્મુઝ બંધ
કરી નાખ્યાનું કહ્યું છે, તો સામે અમેરિકાએ આ રસ્તો જહાજો માટે
ખુલ્લો હોવાનું કહ્યંy છે. આ બંને પરસ્પર
વિરોધી વાતો વચ્ચે ત્યાંથી પસાર થતા જહાજોનો જીવ ઉચક રહે છે. કેમ કે, ગમે ત્યારે તેના પર હુમલો થઇ શકે છે,
તો બચાવ માટે કોણ આવશે એ સવાલ છે. સાયપ્રસનો ઝંડો લગાડેલા જહાજ પર હુમલા
પછી સ્થિતિ વકરી છે. આવામાં નિર્દોષ નાવિકોના જીવ જોખમમાં મુકાયા છે. માલવાહક જહાજો પર ભારતીય નાવિકોની વધતી
જતી સંખ્યાને જોતાં તેમની સલામતીનો મુદ્દો ભારત સરકાર માટે પણ ચિંતા ઊભી કરી શકે છે.
ભારતે ઈરાન અને અમેરિકા બન્નેને વાટાઘાટો દ્વારા મતભેદ ઉકેલવાનો આગ્રહ કરીને હોર્મુઝનો
દરિયાઈ માર્ગ ખુલ્લો રાખવાની જરૂરત પર ભાર મૂક્યો છે, પણ હાલે
જે રીતે બન્ને દેશ એકમેકની સામે બાંયો ચડાવીને મેદાને પડયા છે તે જોતાં જંગનો આ તબક્કો
વધુ જોખમી બની શકે તેમ જણાઈ રહ્યંy છે.
અમેરિકાએ ઈરાનના ક્રૂડ તેલ પરના પ્રતિબંધ ફરી લાદી દીધા છે. આમ આર્થિક મોરચાબંધી પણ
ફરી અમલમાં આવી ચૂકી છે. આવા સમયમાં ઈરાન અને અમેરિકા બન્નેને શાંતિની વાસ્તવિક અનિવાર્યતા
સમજાવવા દુનિયાના વગદાર દેશોએ સાથે મળીને નક્કર પગલાં લેવાની ખાસ જરૂરત છે. આ જંગ હવે
કોઈને પણ પોષાઈ શકે તેમ ન હોવાનું સૌ કોઈ સમજે છે.