ભુજની લાયન્સ હોસ્પિટલમાં
આઇ કેમ્પ યોજાયો
ભુજ, તા. 12 : અહીંની એલએનએમ લાયન્સ
હોસ્પિટલમાં દર્દીઓ માટે નિયમિત રીતે યોજાતા આંખના નેત્રમણિ આરોપણના કેમ્પ અંતર્ગત
તાજેતરમાં લંડન સ્થિત દાતા પરિવાર તરફથી 249મા
કેમ્પ માટે દાન પ્રાપ્ત થયું હતું,
જેમાં 106 દર્દીઓના આંખના
ઓપરેશન કરાયાં હતાં. મૂળ સુખપર કચ્છના લંડન સ્થિત દાતા હરજીભાઇ કાનજીભાઇ વેકરિયા અને
રામુબેન હરજીભાઇ વેકરિયા પરિવાર તથા તેમના ભાણેજ શાંતિલાલ દેવજી ગોરસિયાનો સહયોગ મળ્યો
હતો. આઇ કેમ્પ અંગે અભિપ્રાય વ્યક્ત કરતાં દાતા પરિવારે હોસ્પિટલમાં દર્દીઓને મળી રહેલી
નિયમિત સેવાઓથી પ્રભાવિત થયા હોવાનું જણાવી ડાયાલિસીસની સેવા અને હોસ્પિટલની અન્ય સુવિધાઓ
અને ઉત્તમ સારવારની સરાહનાએ દાન માટે પ્રેરણા આપી હોવાનું કહ્યું હતું. હોસ્પિટલ વતી
ચેરમેન ડો. ભરતભાઇ મહેતા, અભયભાઇ શાહ તથા લાયન્સના પૂર્વ ગવર્નરની હાજરીમાં પાઘડી, શાલ અને સ્મૃતિચિહ્ન દ્વારા સ્વાગત, સન્માન કરાયું હતું.