નવી દિલ્હી, તા. 12 (પીટીઆઈ) : વિરોધ
પક્ષોએ દર્શાવેલી ચિંતા વચ્ચે એક સંસદીય સમિતિએ હવે એવી ભલામણ કરી છે કે, ગંભીર ગુનાના આરોપ હેઠળ વડાપ્રધાન,
મુખ્યમંત્રીઓ કે કેન્દ્રીય મંત્રીઓ સળંગ 30 દિવસ માટે અટકાયતમાં હોય તો તેમને પદ પરથી હટાવવામાં
નહીં, પણ સસ્પેન્ડ કરવામાં આવશે. જો આવા
આરોપીઓ નિર્દેષ છૂટે અથવા એક ચોક્કસ સમયગાળા સુધી કેસ આગળ ન વધે તો તેમને ફરી પદ પર
નિયુક્ત કરવામાં આવશે. સરકાર 20 જુલાઈથી
શરૂ થઈ રહેલાં ચોમાસુ સત્રમાં આ અંગેનો ખરડો લાવવા તૈયાર છે અને એ પૂર્વે 19મીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ડ્રાફ્ટ રિપોર્ટમાં
માનવામાં આવ્યું છે કે, મોટાભાગના હિતધારકોએ વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રીઓના
સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહેવા ઉપર પદથી હટાવવાની જોગવાઈને
`બંધારણીય રીતે સમસ્યાગ્રસ્ત' માની છે, કારણ
કે, તેનો કોઈના દોષિત ઠેરવવાના ન્યાયિક પરિણામથી કોઈ સંબંધ નથી. સૂત્રો અનુસાર ડ્રાફ્ટ રિપોર્ટમાં એક સૂચન એવું
પણ છે કે, બિલમાં `સનસેટ' અથવા `ઓટોમેટિક રિવર્સલ'ની જોગવાઈ હોય, જેના હેઠળ જો કોઈ વ્યક્તિને
મુક્ત કરવામાં આવે અથવા પ્રોસિક્યુશન પક્ષ નક્કી સમયમાં કેસ આગળ ન વધારી શકે તો પદ
સંભાળવા ઉપર લાગેલી રોક આપોઆપ ખતમ થાય. આ જોગવાઈથી સુનિશ્ચિત થઈ શકશે કે સાબિત થયા
વિનાના આરોપના આધારે કોઈને હટાવવાની પ્રક્રિયા હકીકતમાં હંમેશાં માટે પદ ઉપર અયોગ્ય
ઠેરવવાના નિર્ણયમાં ન બદલાય. પેનલના મોટાભાગના સભ્યોનાં સમર્થનથી ડ્રાફ્ટ રિપોર્ટમાં
ફેરફાર થઈ શકે છે. એક વખત ફેરફાર અપનાવ્યા બાદ ખરડાને લોકસભામાં રજૂ કરવામાં આવશે.
30 દિવસની ધરપકડની જોગવાઈ ઉપર વાંધા છતાં ડ્રાફ્ટ રિપોર્ટનાં
સૂચનોમાં પ્રસ્તાવમાં કોઈ ખાસ બદલાવ કરવામાં આવ્યો નથી. તેના બદલે બદનામી અથવા દોષી
થવાની ધારણાથી બચવા માટે પદથી હટાવવાને બદલે સસ્પેન્શન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો
છે. જો કે, ગૃહ મંત્રાલયે
પોતાના જવાબમાં સસ્પેન્શન શબ્દ ઉપર પણ વાંધો ઉઠાવ્યો છે, જેમાં
તર્ક અપાયો છે કે, સસ્પેન્શન અસ્થાયી સ્થિતિ છે, જેનાથી વ્યક્તિ પદનો કાનૂની હક, રેન્ક અને દરજ્જો રાખે
છે, પણ કર્તવ્યનું પાલન કરતા રોકી દેવામાં આવે છે.