• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

નખત્રાણાને સુઘડ-સ્માર્ટસિટી બનાવાશે

નગરપાલિકાની કારોબારી બેઠકમાં વિવિધ સુવિધા વિસ્તારવા નિર્ણય

નખત્રાણા, તા. 12 : શહેરના સુશોભન, રસ્તા સુધારણા તેમજ વિવિધ સુવિધાનો વિસ્તાર કરી સુઘડ અને સ્માર્ટસિટી બનાવવાનો નિર્ણય નગરપાલિકાની મળેલી કારોબારી સમિતિની બેઠકમાં લેવાયો હતો. શહેરમાં સી.સી. રોડ, પાણી, ગટર સહિતના વિકાસકામો સહિત લોકોપયોગી કામો સંપન્ન થયા છે, વધુ વિકાસકામોની દરખાસ્તો તેમજ બજેટ તૈયાર કરવામાં આવ્યા છે અને જ્યાં પણ વિકાસની ખૂટતી કડીઓ હશે ત્યાં પૂર્ણ કરવામાં આવશે  અને શહેરને સુઘડ અને સ્માર્ટસિટી બનાવવા પાલિકા સંકલ્પબદ્ધ હોવાનું કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડે જણાવ્યું હતું. આ તકે શ્રી રાઠોડે બાકી લેણા ભરપાઈ કરવા સહિયારા પ્રયાસો આદરવા સદસ્યોને જણાવ્યું હતું. આરંભે ચીફ ઓફિસર ભાવિન કાંધાણીએ વિકાસકામોની સમીક્ષા વર્ણવી હતી. કારોબારી સભ્યો ભાવિન ઠક્કર, હિરેન ભટ્ટ, અમિત ગોસ્વામી, હંસાબેન રૈયાણી, જયેશ પટેલે ચર્ચામાં ભાગ લીધો હતો. ટેકનિકલ કર્મચારી ભાવિક રૂડાણી, રાજ પટેલે વિવિધ માહિતી આપી હતી. આ બેઠકમાં ડી.એમ.એફ. યોજના અંતર્ગત સ્ટ્રીટલાઈટો, હિન્દુ સ્મશાનની અધૂરી કામગીરી પૂર્ણ કરવા, શહેરના મુખ્યમાર્ગોની રોડલાઈટો, બ્યૂટીફિકેશનનાં કામો ઝડપથી હાથ ધરવા સહિતના મુદ્દાઓના ઠરાવો કરાયા હતા.

Panchang

dd