રવિવારે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ થઈ રહ્યંy છે, તે પહેલાં સરકારે રજૂ કરેલી આર્થિક સમીક્ષા અંદાજપત્રના આગોતરા સંકેત આપી જાય
તેવી છે. આજકાલ વિકાસના દોરમાં આ સમીક્ષા પર પણ દેશ અને દુનિયાના અર્થશાત્રીઓની નજર
રહેતી આવી છે. વર્ષ 2026-27માં જીડીપીનો વિકાસ દર 7.2 ટકા રહેશે, એવો ફૂલગુલાબી અંદાજ આ સમીક્ષામાં અપાયો છે.
ખાસ તો વિદેશી રોકાણમાં ઘટાડાને લીધે રૂપિયા પરની અવળી અસર અને વીતેલાં વર્ષ દરમ્યાન
ભારતીય હુંડિયામણ નબળું પડયું હોવા છતાં અર્થવ્યવસ્થા સ્થિર રહેશે એવા સંકેત આ સમીક્ષાએ
આપ્યા છે. આમ તો આવી દરેક વાર્ષિક સમીક્ષામાં ગયાં બજેટમાં દેશને અપાયેલાં વચનો કેવાં
અને કેટલાં પૂરાં થઈ શક્યાં તેની રૂપરેખા આપતી હોય છે. સાથોસાથ આગામી વર્ષ માટે સરકાર તેના આર્થિક નિર્ણયોમાં
કેઈ બાબતને ધ્યાને રાખશે. આવા સંજોગોમાં હાલે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થયો હોવા છતાં
તે મજબૂત અને સ્થિર હોવાનો ખાસ ઉલ્લેખ આ સમીક્ષામાં કરાયો છે. સાથોસાથ રૂપિયાનું જે
અવમૂલ્યન જણાઈ રહ્યંy છે, તે જોખમી ન હોવાનું ચિત્ર પણ નાણામંત્રીએ ગુરુવારે
આપ્યું છે. આ વખતની સમીક્ષામાં જે રીતે યુરોપ સાથેના મુક્ત વેપાર કરારનો ખાસ ઉલ્લેખ
કરાયો છે, તે આશાવાદ બજેટમાં પણ ઝીલાય એવી પૂરી શક્યતા છે. ખાસ
તો ભારતમાં માળખાકીય ક્ષેત્રમાં સ્પર્ધા, નિકાસ અને વ્યૂહાત્મક ક્ષમતાને આ કરારથી બળ મળશે, એવી સરકારને આશા છે. આ આશાને બજેટની
ખાસ જોગવાઈઓ વડે વધુ વાસ્તવિક બનાવવામાં આવે એવા સંકેત આર્થિક સમીક્ષા આપી જાય છે. સમીક્ષામાં દેશની ભાવી આર્થિક વ્યૂહરચનાના પણ સંકેત
છે. ખાસ તો ભારતે અનિશ્ચિત માહોલમાં ઘરઆંગણાના
વિકાસ પર ખાસ ધ્યાન આપવાનું રહેશે. વિશ્વના આર્થિક મોરચે જે રીતે સમીકરણો ઝડપભેર બદલાઈ
રહ્યાં છે, તે જોતાં ભારતે પોતાના અર્થતંત્રને સલામત રાખવાના
નક્કર પગલાં લેવા પડશે. સમીક્ષામાં વ્યક્ત થયેલી આ જરૂરત બજેટમાં પ્રતિબિંબીત થાય એવી
પૂરી શક્યતા માની શકાય. આમ તો સમીક્ષામાં મોંઘવારીની
અસર મંદ રહેવા અને આગામી વર્ષે તેની કોઈ ચિંતા રહેશે નહીં એવી આશા વ્યક્ત કરાઈ છે. સાથોસાથ હંગામી કામદારોને કામની સાથે જોડાયેલી શરતોમાં
નવેસરથી ફેરફાર સાથે નવી નીતિ લાવવાની જરૂરત પર સમીક્ષાએ જે રીતે ભાર મુક્યો છે,
તે આગામી સમયમાં વેપાર અને ઉદ્યોઁગ ક્ષેત્રની નજરમાં રહેશે. વળી,
નાગરિકોના આરોગ્યની જાળવણી માટે જે રીતે મેદસ્વિતા વધારતા અને વધુ સાકર
ધરાવતા ખાદ્યપદાર્થોનોના સેવનને ઘટાડવાની કરાયેલી વાત આવાં ઉત્પાદનો પર વેરા વધારવાની
સાથોસાથ તેની જાહેરાતો પર પ્રતિબંધોમાં પરિણમી શકે છે. સમીક્ષામાં ઘણા રાજ્યો દ્વારા પોતાની આર્થિક તાકાત કરતાં પણ વધુ લોકરંજક યોજનાઓની જે
રીતે જાહેરાતો થાય છે, તે અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે. નાણાંકીય
તંગી અને આર્થિક ખાધ છતાં આવી જાહેરાતો રાજકીય લાભો માટે કરવાનાં વધી રહેલાં ચલણ સામે
બજેટમાં કોઈ પગલાં કે જોગાવાઈ આવે છે કે કેમ એ તો હવે રવિવારે ખબર પડી જશે.