આરએસએસની યોજનાથી પૂર્વનિર્ધારિત ભારતમાતા પૂજન કાર્યક્રમની
તૈયારી મિરજાપર ગામની પ્રાથમિક શાળામાં કરી રહ્યા હતા. સાંસ્કૃતિ કાર્યક્રમ નિહાળી
રહ્યા હતા તે દરમિયાન ગેબી અવાજ સાથે ધરતી ધણધણી ઊઠી, ધૂળની ડમરીઓ ઊડવા માંડી. પ્રથમ નજરે લાગ્યું
કે, પાડોશી દેશ તરફથી બોમ્બમારો કરવામાં આવ્યો છે, પરંતુ શાળાની આસપાસનાં કાચાં-પાકાં મકાનો રમકડાંની જેમ પડતાં જોયા ત્યારે ભૂકંપનો
અહેસાસ થયો. હું અને સ્થાનિક યુવાનો સીધા દોડીને શાળાનાં મકાનમાં કાર્યક્રમની તૈયારી
કરી રહેલાં બાળકોને બહાર લાવ્યા. ત્યારબાદ શાળાની પાછળના ભાગમાં પરિવારજનોના કલ્પાંત
વચ્ચે બે લોકોને લોહીલુહાણ હાલતમાં જોયા, તેને તાત્કાલિક હોસ્પિટલમાં
લઇ જવા બાજુમાં બ્લોક ખાલી કરી રહેલા છકડાવાળા ભાઇની સાથે અમે ભુજ તરફ નીકળ્યા. બ્લોક
ખાલી કરાવવા મેં પણ મદદ કરેલી એટલે કપડાં મેલા તો હતા જ, સાથે
ઘાયલોને તેડયાં હોવાથી લોહીથી પણ ભરાઇ ગયાં હતાં. રસ્તામાં આવતી વખતે લાગ્યું કે,
નુકસાની તો મિરજાપર કરતાં વધુ ભુજમાં થઇ હતી. જનરલ હોસ્પિટલ ધ્વસ્ત થઇ
ગઇ, ગંભીરતા પામીને જ્યુબિલી ગ્રાઉન્ડ પર ચાલી રહેલી મેડિકલ સેવા
સુધી બે ઘાયલને પહોંચાડીએ એ પહેલાં તેઓ મૃત્યુ પામ્યા હતા. ત્યાં જ એક નર્સિંગ સ્ટાફના
બહેન સુખપરના 14 મૃતદેહની
ઓળખ કરી લઇ જવા બૂમ પાડતા હતા અને હું સુખપરનો રહેવાસી એટલે આ સાંભળતાં અચાનક પરિવારનું
ભાન થયું કે જો ચૌદ મૃતકો મારા ગામના છે તો મારો પરિવાર સુરક્ષિત હશે કે કેમ ? ચારેય બાજુ અફરાતફરી, રોકકળ, મૃતક કે ઘાયલોની વચ્ચે ટ્રકમાં એ તમામ મૃતકોને
લઇને સુખપર પહોંચ્યો, ત્યારે પરિવારજનોને મળવાનું થયું અને પરસ્પર
એકબીજાને સલામત જોઇને હાશકારો અનુવ્યો. એ પછી તો કુદરતી આપત્તિના એ દિવસોમાં સંઘ યોજનાથી
અનેક સ્વયંસેવકોએ સાથે મળીને સામાજિક કર્તવ્ય નિભાવ્યું હતું. (ભૂકંપના પ્રસંગનું વર્ણન રજૂ
કરનારા સુખપર (ભુજ)ના નારાણ વેલાણી વર્ષોથી સંઘ કાર્યકર્તા તરીકે, ખાસ કરીને સરહદીય ક્ષેત્રોમાં સામાજિક સેવાનું
કામ કરે છે.)