• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

મિરજાપર શાળાનો મામલો `બે બળૂકા'ની લડાઇનો તો નથી ને ?

ભુજ, તા. 30 : જિલ્લાની પંચાયતી નિશાળો સમગ્ર શિક્ષા હેઠળ બંધાય છે, જેના ટેન્ડર રાજ્ય સ્તરે અપાય છે. તેની નબળી ગુણવત્તા હોવાનો એકમાત્ર મિરજાપરનો કિસ્સો નથી, અગાઉ પણ જેવું છે તેવું સ્વીકારી લેવાનાં દબાણો થયાં છે. તંત્રે સત્ય ચકાસવાની જરૂર હોવાનું લોકો કહે છે. મિરજાપરનો મામલો ગામના બે સ્થાનીય રાજકારણીઓની ટસલનાં કારણે વધુ વકર્યો હોવાનું સપાટી પર આવ્યું છે. શિક્ષણમંત્રીએ મુલાકાત લીધી હતી. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાના શિક્ષણવર્તુળોમાં મિરજાપર ગામની પ્રાથમિક નિશાળ ચર્ચામાં છે. કેબિનેટ શિક્ષણમંત્રી પ્રદ્યુમનસિંહ વાજા કચ્છમાં છે તેવે વખતે સત્તાપક્ષના જૂથવાદના જવાબોથી બચવા મંત્રી સહિત દ્વિધામાં દેખાયા હતા. ભુજ તાલુકાના મિરજાપર ગામમાં બનેલી નવી શાળાના બાંધકામમાં નબળી ગુણવત્તા હોવાની વાત સ્થાનિક એસ.એમ.સી.ના સભ્યો અને ગ્રામજનો વિવિધ માધ્યમોમાં કરી રહ્યા છે. આવી સ્થિતિ જિલ્લાના ઘણા ગામોની છે. અગાઉ પણ બાંધકામ એજન્સીના બચાવમાં જિલ્લા શિક્ષણ તંત્ર વારંવાર આવ્યું છે, તેનું કારણ સૌ જાણે છે. ગુણવત્તાની તપાસ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા કરવાને બદલે જેવું છે તેવું સ્વીકારી લેવા ખુદ અધિકારીઓ ભલામણ કરતા હોય તેવી ઘટનાઓ અગાઉ પણ બની છે. જેનો વિષય નથી તેવા શિક્ષકો-આચાર્યોને કમ્પલિશન સર્ટિ.માં સામેલ કરાય છે તે યોગ્ય ન હોવાની વાત ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ કરી રહ્યો છે. શિક્ષણ જેવાં ક્ષેત્રમાં પણ તકતીમાં હોદ્દેદારનું નામ ન લખાય તેથી સ્વીકારવી નહીં તે વાત છે. જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય એવા રાજકારણી દ્વારા તાલુકા પંચાયતમાં શીર્ષસ્થાને બેઠેલાનું કેમ નીચું દેખાય તેવા પ્રયત્ન થઇ રહ્યાની વાત ચર્ચાય છે. સત્તાધારી પક્ષના જ આ `બે બળૂકા'ની વર્ચસ્વની લડાઇમાં હાથો બની ગયેલા જિલ્લા વિકાસ અધિકારીએ બોલવાની મર્યાદા ચૂકતાં મામલો જ્ઞાતિવાદ સુધી પહોંચ્યો છે. બદલાયેલા રંગ વચ્ચે ગાંધીનગર કક્ષાએથી ખુદ શિક્ષણમંત્રીએ મિરજાપર આંટો માર્યો છે. વારંવાર ચર્ચામાં આવતી સમગ્ર શિક્ષાએ તંત્રને વધુ એકવાર નીચુંજોણું કરાવ્યું છે તે હકીકત છે. - ઉચ્ચ કક્ષાએ ધા : દરમ્યાન મિરજાપર શાળાના આચાર્ય સામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલી કથિત ગેરવર્તણૂકને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વખોડવા સાથે બાંધકામને લગતા કાર્યોમાંથી શિક્ષકોને મુક્તિ આપવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયાસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલ દ્વારા રાજ્યના બંને શિક્ષણમંત્રીઓ ડો. પ્રદ્યુમન વાજા અને રીવાબા જાડેજા તેમજ સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર પાસે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, નબળી ગુણવત્તાવાળી મિરજાપર કુમાર શાળાની ઈમારતનું કમ્પ્લિશન સર્ટિ. આપવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી કચ્છ દ્વારા શાળાના મહિલા આચાર્યાને સહી કરવા દબાણ કરવામાં આવ્યું તથા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું છે, જે બિલકુલ ચલાવી શકાય નહીં. શાળાના બાંધકામમાં નબળી ગુણવત્તા એ બાળકોની સુરક્ષા પર ખૂબ મોટો પ્રશ્નાર્થ છે. સમગ્ર રાજ્યમાં જે શાળામાં બાંધકામ ચાલતાં હોય ત્યાં બિલ્ડિંગની ગુણવત્તા બાબતે પ્રમાણપત્ર આપવું એ શિક્ષકનો વિષય જ નથી. શાળામાં બાંધકામ થતું હોય ત્યારે રાજકીય માણસો, ગ્રામજનો અને અધિકારીઓ સાથે શિક્ષકોને ઘર્ષણ થતા હોય એવી રજૂઆતો સંગઠનને અવારનવાર મળી છે એમ જણાવાયું હતું. શિક્ષક સંઘના નયનસિંહ જાડેજા, કેરણા આહીર, હરિસિંહ જાડેજા વગેરેએ પણ સૂર પૂરાવ્યો હતો. તો કચ્છ લડાયક સંઘના કે. ડી. જાડેજાએ અલગ યાદીમાં સરકારી ઇમારતોનાં બાંધકામમાં ગેરરીતિ આચરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને મિરજાપર શાળા મામલે તટસ્થ તપાસની માંગ કરી હતી. 

Panchang

dd