ભુજ, તા. 30 : આવતીકાલે 31મીએ અમેરિકાની શટડાઉન સ્થિતિ ટળે એવી ધારણાએ ડોલર ઈન્ડેક્સ મજબૂત થતાં હેજફંડોની નફારૂપી વેચવાલીએ સોના-ચાંદીમાં ઉચ્ચસ્તરેથી ગબડયા બાદ સ્થાનિક બજારમાં સોનામાં 16 હજાર અને ચાંદીમાં 67 હજારનો જબ્બર ઘટાડો નોંધાયો હતો. એક તબક્કે ચાંદીમાં રૂા. 80 હજારનો મોટો કડાકો બોલી ગયો હતો અને બજારમાં હાહાકાર મચી ગયો હતો. દિલ્હીમાં ચાંદીમાં વધઘટ બાદ રૂા. 20000નો ઘટાડો નોંધાયો હતો. આવતીકાલે અમેરિકાનું શટડાઉન ટળે તેવી પૂરેપૂરી સંભાવનાએ આજે ડોલર ઈન્ડેક્સમાં રિકવરી આવતાં હેજફંડોએ નફારૂપી વેચવાલી કરતાં સોના-ચાંદીમાં સતત ઉછાળા બાદ જબ્બર કડાકો જોવા મળ્યો હતો. સ્થાનિક બુલિયન બજારમાં દસ ગ્રામ સોનું 999ના ભાવોમાં રૂા. 16,000નો જબ્બર ઘટાડો થઈ 1,71,000 ભાવ રહ્યા હતા, તો ચાંદી ચોરસા એક કિલોના ભાવોમાં રૂા. 67,000નું મોટું ગાબડું પડી 3,38,000ના ભાવ રહ્યા હતા. નવી દિલ્હીના અહેવાલ મુજબ નબળાં વૈશ્વિક વલણો અને અમેરિકન ડોલરમાં સુધારા વચ્ચે રોકાણકારોએ ભારે નફો બુક કરાવ્યો હોવાથી શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 14,000 રૂપિયાનો ઘટાડો થયો હતો અને ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 20,000 રૂપિયાનો ઘટાડો થયો હતો. બજારના જાણકારોના મતે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 14,000 રૂપિયા અથવા 7.65 ટકા ઘટીને 1,69,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત) થયો હતો. ગુરુવારે આ કિંમતી ધાતુ 12,000 રૂપિયાના વધારા પછી 1,83,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઇ હતી. ચાંદીનો ભાવ 20,000 રૂપિયા અથવા લગભગ પાંચ ટકા ઘટીને 3,84,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (બધા કર સહિત) થયો. સફેદ ધાતુનો ભાવ 19,500 રૂપિયા વધીને 4,04,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો રેકોર્ડ બનાવ્યો હતો.