• બુધવાર, 28 જાન્યુઆરી, 2026

ફરી ભાષાનું ભૂત

સોમવારે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસે દેશભક્તિની લાગણીમાં દેશ તરબતર બન્યો, પણ દેશની રાષ્ટ્રભાષા હિન્દીના મામલે દક્ષિણના રાજ્યોમાં જે રીતે સતત લાગણીઓ ઉશ્કેરવામાં આવી રહી છે તે ખરા વિવાદને ઠંડો પાડવા દેતી નથી.  દક્ષિણના રાજ્યોમાં હિન્દીની અસ્વીકૃતિનો મુદ્દો દાયકા જૂનો છે અને કમભાગ્યે આ રાજ્યોના પ્રાદેશિક રાજકીય પક્ષો તેનો ઉકેલ શોધવામાં જરા પણ રસ ધરાવતા ન હોવાનું ચિત્ર હંમેશાં સામે આવતું રહે છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ તામિલનાડુમાં સત્તાધારી દ્રવિડ મુનેત્ર કઝગમે ભાષા શહીદ દિવસ મનાવીને વિવાદની આગને ફરી એક વખત વકરાવી છે. રાજ્યના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલીને સોશિયલ મીડિયા પર લખ્યું કે, હિન્દીને ત્યારે જગ્યા મળી ન હતી, હમણા પણ નહીં મળે અને ક્યારેય નહીં મળે. આમ રાષ્ટ્રીય એકતાની અનિવાર્યતાની વાતો વચ્ચે કોઈ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જે રીતની માનસિકતા વ્યક્ત કરાઈ છે તે ખરેખર કમનસીબ અને ચોંકાવનારી છે. ભૂતકાળમાં પણ આ મુદ્દે વિરોધ થતો રહ્યો છે. એક સમયે આ મુદ્દો હિંસક આંદોલનનું કારણ પણ બન્યો હતો. હવે જે રીતે તામિલનાડુના મુખ્યમંત્રીએ જે રીતે આક્રમક વલણ લીધું છે તેનાથી વિવાદ ફરી વકરે એવાં અંઁધાણ વર્તાઈ રહ્યાં છે. ભારત જેવા સંઘીય વ્યવસ્થા ધરાવતા દેશમાં આવો કોઈ પણ મુદ્દો ખેરખર સંવાદ દ્વાર ઉકેલાવો જોઈએ. તેમાં પણ હિન્દી દેશને જોડતી ભાષા હોવાની હકીકત કોઈ અવગણી શકે તેમ નથી, પણ હિન્દીના સ્વીકાર અને ઉત્તેજનથી તામિલ કે અન્ય કોઈ પ્રાદેશિક ભાષાનું મહત્ત્વ ઘટી જતું હોવાનો દાવો પણ અસ્થાને છે. ખરેખર તો હિન્દી ભાષાને કોઈ પણ પ્રદેશની ઉપર લાદવાનો કોઈ પણ કેન્દ્ર સરકારે પ્રયાસ કર્યો નથી, તો પણ આવો હાઉ ઊભો કરીને દક્ષિણના અમુક રાજ્યો ખાસ કરીને તામિલનાડુમાં લોકોની લાગણીઓને ઉશ્કેરવાના પ્રયાસ થતા રહે છે. સ્ટાલીનનાં આ નવાં આક્રમક વલણથી ફરીવાર ભાષાકીય વિવાદ વકરે એવી ભીતિ સર્જાઈ છે. દેશને જ્યારે આવા વિવાદથી અળગા રહેવાની જરૂરત છે તેવા સમયે માત્ર ક્ષેત્રીય ઉન્માદ જગાવવાનું કોઈ પણ પગલું અનિચ્છનીય છે એ આ પક્ષો અને તેના નેતાઓએ સમજી લેવાની જરૂરત છે. 

Panchang

dd