• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

રાજકોટમાં લાંચના કિસ્સામાં ભુજના નિવૃત્ત આયકર ઈન્સ. સહિત ત્રણ જણ સકંજામાં

રાજકોટ, તા. 30 : રાજકોટમાં રૂા. ચાર લાખનું એરિયર્સ બિલ મંજૂર કરવાના બદલે રૂા. 45 હજારની લાંચ માગનારા કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારી તથા ભુજના નિવૃત્ત ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર શૈલેશ કરસન ચૌહાણ સહિત ત્રણ જણને લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી પાડયા હતા.  આ કેસની વિગત મુજબ, ફરિયાદીનું રૂા. 4 લાખનું એરિયસ બિલ મંજૂર કરવાનું હતું. આ કામ માટે આરોપી રવિકુમાર સુરેશકુમાર જાંગીડ (આસિ. એકાઉન્ટ્સ ઓફિસર, વર્ગ-2, ઝોનલ એકાઉન્ટ્સ ઓફિસ, મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ, રાજકોટ)એ બિલના 20 ટકા લેખે રૂા. 80,000ની લાંચ માગી હતી, જે પછી ઘણી રજકઝના અંતે રૂા. 50,000 આપવાનું નક્કી થયું હતું, જે પેટે રૂા. 5,000 એડવાન્સમાં લેવાયા હતા. બાકીના રૂા. 45,000 તા. 30/01ના આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોઈ આ બાબતે એસીબીને જાણ કરાઈ હતી, જે પછી ગીરનાર ટોકીઝ પાસે, ઇન્કમટેક્સ ઓફિસની સામે આવેલી `બજરંગ ઇમિટેશન' દુકાન પાસે છટકું ગોઠવાયું હતું.  આરોપી રવિકુમાર જાંગીડના કહેવાથી નિવૃત્ત ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર શૈલેશ કે. ચૌહાણે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ત્યારબાદ ત્રીજા આરોપી અક્ષયભાઈ શૈલેશભાઈ વાગડિયા (કન્ટીજન પટાવાળા, ઇન્કમટેક્સ ઓફિસ, રાજકોટ)એ રૂા. 45,000ની લાંચ સ્વીકારી હતી. તે વેળાએ જ  ત્રણેયને દબોચી લેવાયા હતા. મદદનીશ નિયામક જે. ડી. મેવાડના સુપરવિઝનમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. આર. સોલંકી અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. પકડાયેલા ત્રણેય આરોપીઓ સામે એસીબીએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એસીબી વડા પીયૂષ પટેલ, અધિક નિયામક બિપિન આહીરે તથા નાયબ નિયામક બળદેવાસિંહ વાઘેલાના નેતૃત્વમાં પી.આઈ. આર. આર. સોલંકીએ માત્ર એક જ મહિનામાં આ છટકું પાર પાડયું હતું. 

Panchang

dd