નવી દિલ્હી, તા. 30 : પૂર્વ ઉપરાષ્ટ્રપતિ
હામિદ અંસારીએ ભારતીય ઇતિહાસ પર કરેલી ટિપ્પણીથી રાજકીય ઘમસાણ મચી ગયું હતું. અંસારીએ
કહી નાખ્યું હતું કે, મુહમ્મદ ગઝની
અને લોધી બહારથી નહોતા આવ્યા, પરંતુ ભારતીય જ હતા. ભાજપે નિશાન
સાધતાં કહ્યું હતું કે, કોંગ્રેસની માનસિકતા જ એવી છે,
એવા લોકોનું મહિમામંડન કરે છે જે હિન્દુઓની વિરુદ્ધ છે. કેસરિયા પક્ષના
પ્રવકતા શહજાદ પુનાવાલાએ અંસારીની ટિપ્પણીનો આ વીડિયો પોસ્ટ કરતાં કોંગ્રેસ પર આકરા
પ્રહાર કર્યા હતા. અંસારીની ટિપ્પણી એ હકીકતનું ઉદાહરણ છે કે, કેવી રીતે કોંગ્રેસ હિન્દુ વિરોધીઓનું લગાતાર
મહિમાગાન કરે છે, તેવું પુનાવાલાએ કહ્યું હતું. તેમણે જણાવ્યું
હતું કે, હવે કોંગ્રેસ સોમનાથ મંદિરને નષ્ટ અને અપવિત્ર કરનાર
ગઝનીને ભારતીય ગણાવીને વખાણે છે. ગઝનીના ગુણગાન ગાઇને કોંગ્રેસ સોમનાથ સ્વાભિમાન પર્વનો
વિરોધ કરે છે, તેવા પ્રહારો ભાજપ પ્રવકતાએ કર્યા હતા. સાથોસાથ
દિલ્હી રમખાણના આરોપીઓ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને પણ ચપેટમાં લેતાં પુનાવાલાએ કહ્યું
હતું કે, કોંગ્રેસ પક્ષ હંમેશાં ભાગલાવાદી વિચારધારાનો પક્ષ ખેંચે
છે. અન્ય ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે, વિદેશી
લૂંટારાઓ પ્રત્યેની અન્સારીની કૂણી લાગણી તેમની નબળી માનસિકતા દર્શાવે છે.