કોટડા (ચ.), તા. 30 : એક સમયનો
સૂકો અને ભઠ્ઠ ગણાતો જિલ્લો આજે નર્મદા નીરની કૃપા અને મેઘરાજાની અમીદ્રષ્ટિના કારણે
હરિયાળો બનતો જઈ રહ્યો છે. ખેતી ક્ષેત્રે આવેલા પરિવર્તનનું જીવંત ઉદાહરણ ભુજ તાલુકાના
કોટડા (ચકાર) પંથકના પદ્ધરના વાડી વિસ્તાર અને આહીરપટ્ટીની સીમામાં જોવા મળી રહ્યું
છે, જ્યાં ઘઉંનો પાક લહેરાતો નજરે પડે છે. આંખ ઠારતા
દૃશ્યો જાણે પંજાબની ખેતીની યાદ અપાવે છે. આહીરપટ્ટી સુધીના ધરતીપુત્રોમાં ખુશીની લહેર
વ્યાપી ગઈ છે. ખેડૂતોના મતે આ વર્ષે ઘઉંના સારાં ઉત્પાદનની પૂરી શક્યતા છે. તાજેતરમાં
પડી રહેલી ઠંડીને કારણે રવી પાકોમાં ક્યાંક લાભ તો ક્યાંક રોગચાળો જોવા મળી રહ્યો છે,
પરંતુ ઘઉંના પાક માટે હાલની ઠંડી લાભદાયી સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં
આવી રહી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે જો વાવેતર સમયે આવી ઠંડી પડી હોત તો પાકનો વિકાસ
વધુ સારો થાત, તેમ છતાં પાછોતરી ઠંડીમાં ઘઉંમાં કણસળા લાગી જતા
દાણાની ગુણવત્તા અને ઉતારમાં ચોક્કસ ફાયદો થશે. રેલડી ગામના ખેડૂત સિધીક કકલે જણાવ્યું
હતું કે વાવેતર સમયે ઠંડી ઓછી હોવાથી ઉત્પાદન થોડું ઘટી શકે, પરંતુ હાલ વધતી ઠંડીના કારણે પાકના વિકાસમાં સુધારો થવાની આશા છે. બીજી બાજુ,
પાછોતરી ઠંડીના કારણે રાયડાના પાકમાં ડુમો (રોગ) જોવા મળી રહ્યો છે,
જોકે જો હવામાન અનુકૂળ છે તો ખેડૂતોને લાભ મળી શકે તેમ છે. ખેડૂતોનું
માનવું છે કે હાલ જે રીતે ઠંડી પડી રહી છે, તે જો પાક પર દાંશા
આવવાના સમયમાં રહે તો તે વધુ ફાયદાકારક સાબિત થાય. ઉલ્લેખનીય છે કે ઘઉંનું વાવેતર સામાન્ય
રીતે નવેમ્બર માસમાં કરવામાં આવે છે અને તેની કાપણી માર્ચ માસમાં, એટલે કે હોળીના આસપાસ થાય છે. વાવેતર પૂર્વે ખડ (ઘાસ) ન થાય તે માટે દવાનો
છંટકાવ કરવામાં આવે છે. બાદમાં દેશી ખાતર સાથે ડી.એ.પી. અને યુરિયા જેવા રાસાયણિક ખાતર
ચારથી પાંચ વખત આપવામાં આવે છે. જો પાણી અને વાતાવરણ અનુકૂળ રહે તો પ્રતિ વિઘા 40થી 45 મણ સુધી ઉતારો આવી શકે છે. ઘઉંની કાપણી માટે હાર્ડવેસ્ટર અથવા
હલર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં
મજૂરી અને મશીનરીનો ખર્ચ પણ નોંધપાત્ર હોય છે. ઉપરાંત બિયારણ, જંતુનાશક દવાઓ અને ખાતરના વધતા ખર્ચ વચ્ચે જો પાકનો ભાવ સારો મળે અથવા સરકાર
દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ લાભદાયી હોય તો જ ખેતી નફાકારક બની શકે છે. નહિતર
મોંઘવારીના સમયમાં ખેતી કરવી લોઢાના ચણા ચાવવા જેવી બની જાય છે, તેવી લાગણી ખેડૂતપુત્રોએ વ્યક્ત કરી હતી.