અજિત પવારના રાજકીય જીવનની શરૂઆત બારામતીમાંથી થઈ, બારામતીમાં જ તેમની કારકિર્દી ઘડાઈ અને 66 વર્ષ, છ મહિના અને છ દિવસની વયે બારામતીમાં જ તેમને
મોત આંબી ગયું. શરદ પવાર જેવા વિચક્ષણ, વગદાર અને અઠંગ રાજકારણીના
ભત્રીજા તરીકે કારકિર્દીનો મહત્તમ તબક્કો તેમની છાયામાં વિતાવવા છતાં મહારાષ્ટ્રમાં
સરકાર કોઈની પણ હોય, નાયબ મુખ્યપ્રધાન તો અજિત પવાર જ હોય,
એવું સમીકરણ તેમના રાજકારણી તરીકેની મહત્તા સાથે ગઠબંધનના ગણિત અને સરકારી
વહીવટમાં તેમની પકડની સાહેદી પૂરે છે. શરદ પવારના ભત્રીજા તરીકેની ઓળખના દાયરામાં બંધાઈ
રહી વારસામાં મળેલા પ્રભાવને આગળ વધારવા કરતાં પોતાની સ્વતંત્ર છાપ ઊભી કરવાનો સંઘર્ષ
અજિતદાદાની કારકિર્દીમાં સતત પ્રતાબિંબિત થતો હતો. જો કે, કાકાના
પડછાયામાંથી બહાર આવી રાજ્યના રાજકારણમાં હલચલ મચાવવામાં તેઓ સફળ રહ્યા હતા,
પણ મુખ્ય પ્રધાનપદની ખુરશી સુધી પહોંચ્યા વિના પણ બહુ ઓછા નેતાઓ પહોંચી
શકે એવી ઊંચાઈ તેમણે પ્રાપ્ત કરી હતી. ગ્રામીણ પાવર નેટવર્કના બળે મોટા થયેલા અજિત
પવારનો લોકસંપર્ક દમદાર હતો. આખાબોલા છતાં સરળ, ગણતરીબાજ છતાં
સૌને સાથે લઈને ચાલનારા તથા વિવાદોના ઘેરામાં રહેવા છતાં અડગ એવા આ નેતાનું અકાળ અવસાન
પણ રાજ્યના રાજકારણમાં હલચલ સર્જશે. હવાઇ દુર્ઘટનામાં અજિત પવારના નિધનના રાજકીય પ્રત્યાઘાત
પડયા છે. મમતા બેનરજી, અખિલેશ યાદવ, લાલુપ્રસાદ
સહિતના વિપક્ષી નેતાઓએ શંકા દર્શાવીને સુપ્રીમકોર્ટ અંતર્ગત તપાસ બેસાડવા માગણી કરી
છે. અલબત્ત, શરદ પવારે દુર્ઘટનાને અકસ્માત જ લેખાવીને વિપક્ષી
છાવણીની હવા કાઢી નાખી છે. દરમ્યાન, અજિત પવારનો ઉદય કાકા શરદ
પવારના પદચિહ્‰‰નો પર ચાલીને
થયો હતો. પશ્ચિમ મહારાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં સાકર કારખાના તથા જિલ્લા સ્તરીય બેન્કો
અને સ્થાનિક નેટવર્કમાં મૂળિયાં ધરાવતા અજિતદાદા 1991માં પહેલીવાર બારામતીથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા. જો કે, આગળ જતાં કાકા માટે આ બેઠક તેમણે ખાલી કરી આપી
હતી. એ પછી 1995માં વિધાનસભામાં
પહેલીવાર પરિવારની પારંપરિક બેઠક પરથી ચૂંટાઈ આવ્યા પછી ત્રણ દાયકામાં આઠવાર તેઓ અહીંથી
ચૂંટાઈ આવ્યા અને એમાંથી છવાર નાયબ મુખ્ય પ્રધાન બન્યા. કોંગ્રેસમાંથી છૂટા પડી શરદ
પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસનો નોખો ચોકો રચ્યો ત્યારે 1999માં એ વખતે 40 વર્ષના અજિતદાદાને પહેલીવાર
રાજ્યની કેબિનેટમાં સ્થાન મળ્યું. રાજ્યમાં નંબર-ટુના પદ પર હોવા છતાં હંમેશાં તેમને
મહત્ત્વના પોર્ટફોલિયો મળતાં જેમાં સિંચાઈ, ગ્રામ વિકાસ, જળ સંસાધન અને નાણાં જેવાં ખાતાંનો સમાવેશ
થાય છે. તેમણે આ ખાતાંનો ઉપયોગ સ્થાનિક સ્તરે વ્યાપક નેટવર્ક ઊભું કરવા માટે કર્યો.
જો કે, પક્ષમાં દિશાનિર્દેશનો દોર શરદ પવારે પોતાના હાથમાં રાખ્યો
હતો અને અજિતદાદાને માત્ર કામગીરીને અંજામ આપવાની જવાબદારી જ સોંપાતી. ગઠબંધન,
સત્તા-વહેંચણીનાં સમીકરણો તથા મુખ્ય પ્રધાનપદની પસંદગી જેવા વ્યૂહાત્મક
નિર્ણયો સિનિયર પવાર લેતા. સરકારમાં પક્ષનો ચહેરો ભત્રીજો રહેતો, પણ મગજ તો કાકાનું જ હોય. સમયાંતરે, આ બાબતે અજિતદાદામાં
અધીરાઈ અને મહત્ત્વાકાંક્ષાને જન્મ આપ્યો. સાથે જ એ વાત પણ તેમના મનમાં દૃઢ થઈ કે સત્તાસ્થાન
મેળવવા કરતાં લાંબા ગાળાનો લાભ સુરક્ષિત કરવાની કાકાની વ્યૂહરચના પક્ષને અને વ્યક્તિગત
રીતે તેમને પણ નુકસાન પહોંચાડી રહી હતી. આ હતાશાને પગલે 2019માં ભાજપ સાથે હાથ મિલાવી વહેલી
સવારે દેવેન્દ્ર ફડણવીસ સાથેની શપથવિધિએ રાજકારણમાં ભૂકંપ સર્જ્યો હતો. અજિતદાદાનો
આશય સત્તા નહીં, પોતાની સ્વાયત્તતાને પ્રસ્થાપિત
કરવાનો હતો. એ પ્રયાસ નિષ્ફળ નીવડયો. આ નિષ્ફળતાએ તેમને નબળા પાડયા પણ તેમને હળવાશથી
ન લેવાય એવી વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત કર્યા. તેમના અવસાનને પગલે દેવેન્દ્ર ફડણવીસે
નિકટનો મિત્ર અને મહત્ત્વનો સહયોગી ગુમાવ્યો છે અને હવે શરદ પવારની વધેલી વય અને અજિત
પવારની અણધારી એક્ઝિટ રાષ્ટ્રવાદી પક્ષ સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્‰‰ન સર્જે છે. શરદ પવાર એનડીએમાં જોડાશે તો ફડણવીસની સ્થિતિ અત્યારે
છે એટલી સબળ નહીં રહે અને જો તેઓ વિરોધી મોરચા સાથે રહે છે, તો શિંદેની માગણી પ્રબળ બની શકે છે. આમ,
મૃત્યુ પછી પણ અજિત પવાર રાજ્યના રાજકારણમાં પ્રભાવક રહેશે એમ લાગે છે.