મેલબોર્ન, તા. 30 : સર્બિયાનો સુપરસ્ટાર નોવાક
જોકોવિચ અને સ્પેનના નંબર વન કાર્લોસ અલ્કરાજ વચ્ચે ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ
ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો થશે. જોકોવિચ તેના રેકોર્ડ 2પમા ગ્રાંડસ્લેમ ખિતાબથી હવે ફકત એક જીત
દૂર છે જ્યારે અલ્કરાજ પાસે પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપન ટ્રોફી જીતવાની તક છે. અલ્કરાજે
પ સેટની લાંબી લડત પછી એલેકઝાંડર જેવરેવ વિરુદ્ધ અને જોકોવિચે ઇટાલીના વિશ્વ નંબર બે
ખેલાડી યાનિક સિનર વિરૂધ્ધ પાંચ સેટના સંઘર્ષ પછી જીત મેળવી હતી. 38 વર્ષીય જોકોવિચનો સેમિ ફાઇનલમાં
24 વર્ષીય સિનર સામે 3-6, 6-3, 4-6, 6-4 અને 6-4થી લડાયક વિજય થયો હતો. આ સાથે
જ જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં 11મી વખત ફાઇનલમાં
પહોંચ્યો છે. પહેલી સેમિફાઇનલમાં નંબર વન સ્પેનના 22 વર્ષીય કાર્લોસ અલ્કારજ અને જર્મનીના ત્રીજા ક્રમના એલેકઝાંડર
જેવરેવ વચ્ચે જબરદસ્ત ટક્કર થઇ હતી. પાંચ કલાક અને 27 મિનિટના મેરેથોન મુકાબલા પછી અલ્કારજનો 6-4, 7-6, 6-7, 6-7 અને 7-પથી લડાયક અને યાદગાર વિજય થયો હતો અને
પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપનના ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પહેલા બે સેટ જીતી લીધા પછી
અલ્કરાજના પગના સ્નાયૂ ખેંચાઇ ગયા હતા. આથી તેણે મેડિકલ ટાઇમ આઉટ લીધો હતો. જેની સામે
જેવરેવે ચેર અમ્પાયરને ફરિયાદ પણ કરી હતી. આ પછી જેવેરેવે વાપસી કરી બે સેટ જીતી સ્કોર
2-2ની બરાબરી પર લાવી દીધો હતો.
અંતિમ અને નિર્ણાયક સેટમાં અલ્કારજે અદ્ભુત દેખાવ કરીને જીત મેળવી હતી અને 3-2ની સરસાઇથી સેમિમાં વિજય હાંસલ
કરી ખિતાબી મુકાબલામાં પ્રવેશ કર્યો હતો.