• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

વડીલો માટે લોનાવાલામાં અનોખો મેળાવડો

અર્પિત ગંગર દ્વારા : મુંબઈ, તા. 30 : કચ્છી સમાજ માટે અનેક પ્રવૃત્તિ કરતી કચ્છી વિશા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજન (કવીઓએસજેએમ) દ્વારા લોનાવાલા ખાતે વડીલો જો મેળાવડો નામના વરિષ્ઠજનો માટેના નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 2011માં સંસ્થાએ વડીલો જો મેળાવડો નામના વિશેષ કાર્યક્રમની શરૂઆત કરી હતી. દર વર્ષે લોનાવાલામાં ત્રણ દિવસનો  કાર્યક્રમ યોજાય છે. પ્રથમ વર્ષે 180 લોકોએ ભાગ લીધો હતો, જ્યારે ગયા વર્ષે 204 વડીલે હાજરી આપી હતી. આ વર્ષે પણ 200થી વધુ લોકોએ હાજરી આપી છે અને આજદિન સુધીમાં 2500થી વધુ લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો છે. કવીઓએસજેએમ હેઠળ કૌટુંબિક સમૃદ્ધિ નામની સમિતિ કાર્યરત છે, જેના અંતર્ગત આ કાર્યક્રમની રચના કરવામાં આવી છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં વડીલોની દૃષ્ટિએ માહિતીસભર અને વ્યવહારું સત્રો રાખવામાં આવ્યાં હતાં. સાથે સાથે શૈક્ષણિક અને રસપ્રદ એવા મનોરંજક કાર્યક્રમો પણ સામેલ કરવામાં આવ્યા હતા. - પ્રથમ સત્ર : વસિયત અને નાણાકીય આયોજન (સીએ કેતન સૈયા) : સીએ કેતન સૈયાએ વસિયત કેવી રીતે તૈયાર કરવી, તેનું મહત્ત્વ, કઈ વસિયત કાયદેસર માન્ય છે, વસિયત બનાવવાની પાછળનો ઉદ્દેશ્ય અને અન્ય ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.  વડીલો માટે નાણાકીય આયોજન પણ એટલું જ જરૂરી છે, જેથી તેઓ સ્વતંત્ર રહી શકે અને બીજાઓ પર નિર્ભર થયા વિના શાંતિપૂર્ણ અને તણાવમુક્ત જીવન જીવી શકે. સીએ કેતન સૈયાએ ઠગાઈયુક્ત રોકાણ યોજનાઓથી સાવચેત રહેવા ઉપરાંત અન્ય લોકોનાં અનુકરણથી બચવા પણ જણાવ્યું હતું. કેતનભાઈએ કહ્યુંઆશરે 65 ટકા નિવૃત્ત વ્યક્તિઓ પાસે નિવૃત્તિ જીવન માટે પૂરતી બચત હોતી નથી. તેથી નાની ઉંમરથી રોકાણ કરવું જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે. - બીજું સત્ર : માનસિક સ્વાસ્થ્ય (મિત્તલ સાલિયા) : મિત્તલ સાલિયાએ પોતાના સત્રની શરૂઆત એક વિચારપ્રેરક પ્રશ્નથી કરી હતી કે, આપણે નિયમિત રીતે સંપૂર્ણ શરીર કે અંગોની તપાસ કરાવીએ છીએ, તેમ શું  ક્યારેય આપણા મગજની તંદુરસ્તીની તપાસ કરી છે? તેમણે વડીલોને અનેક રસપ્રદ અને ઇન્ટરએક્ટિવ પ્રવૃત્તિઓમાં સામેલ કર્યા, જે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી સાબિત થઈ હતી. માનસિક સુખાકારી અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે બધું જ સ્વસ્થ મન પર આધારિત છે. મિત્તલ સાલિયા ગેમ થેરાપિસ્ટ છે. જેમ ડોક્ટર દવાઓ લખે છે, તેમ તેઓ રમતો સૂચવે છે. મિત્તલબેનએ કહ્યું, રમતો  મારા માટે એવાં સાધનો છે, જે લોકોને સજાગ રાખવામાં મદદ કરે છે. જ્યારે કોઈ સતત બોલતું રહે છે, ત્યારે લોકોને ઊંઘ આવવા લાગે છે, પરંતુ રમતોમાં સામેલ કરવાથી ઊંઘ ગાયબ થઈ જાય છે અને લોકો આનંદ માણવા લાગે  છે. - ત્રીજું સત્ર: પેઢી વચ્ચે અંતર (સીએ અતુલ ભેદા) : જનરેશન ગેપનો વિષય યુવાન અને વડીલ એમ બધા  માટે મહત્ત્વપૂર્ણ છે. મતભેદોના મુખ્ય કારણોમાંથી આ એક છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ વિષય પર અનેક સત્રો યોજી ચૂકેલા સીએ અતુલ ભેદાએ આ વિચારને ખૂબ સુંદર રીતે સમજાવ્યો હતો. અતુલભાઈએ કહ્યું, આવનારી પેઢી અત્યારની પેઢી કરતાં વધુ સ્માર્ટ છે, અને આપણે હંમેશા આપણાથી વધુ સમજદાર લોકો પાસેથી સલાહ લેતા હોઈએ છીએ.  

Panchang

dd