નવી દિલ્હી, તા. 30 : જાન્યુઆરી
મહિનો પૂરો થતાં જ નવો મહિનો સામાન્ય લોકો માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થઈ શકે છે. પહેલી
ફેબ્રુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે જ્યારે દરરોજનાં જીવન સાથે જોડાયેલા
ઘણા નિયમોમાં પણ બદલાવ આવી શકે છે. આ બદલાવની અસર સીધી અસર રોજિંદા ખર્ચ, ટેક્સ પ્લાનિંગ, રોકાણ
અને દૈનિક જરૂરિયાત ઉપર પડશે. ગેસ સિલિન્ડરથી લઈને સિગરેટ, ઇંધણ,
બેન્કિંગ અને ફાસ્ટેગ સુધી દરેક ક્ષેત્રમાં બદલાવ સંભવ છે. - એલપીજીની કિંમત : દર મહિનાની જેમ 1 ફેબ્રુઆરી, 2026ના પણ એલપીજી
સિલિન્ડરની નવી કિંમત જાહેર કરવામાં આવશે. ખાસ કરીને 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની
કિંમતમાં બદલાવની આશા છે. છેલ્લા અમુક મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં સતત
ઉતાર ચડાવ જોવા મળ્યો છે. - સીએનજી-પીએનજી અને એટીએફની
કિંમત : એલપીજીની સાથે સાથે 1 ફેબ્રુઆરીના રોજ એટીએફની નવી કિંમત જાહેર
થશે. એટીએફની કિંમતમાં બદલાવની સીધી અસર હવાઈ યાત્રાના ભાડા ઉપર પડશે. ગયા મહિને પહેલી
જાન્યુઆરીના એટીએફની કિંમતમાં 7 ટકાનો કાપ
મુકાયો હતો. આ ઉપરાંત સીએનજી અને પીએનજીની કિંમતમાં પણ ફેરફારની સંભાવના છે. - પાન મસાલા અને સિગરેટ ઉપર ટેક્સ : પહેલી ફેબ્રુઆરીથી તમાકુ ઉત્પાદન અને પાન
મસાલા ઉપર વધુ ટેક્સ લાગી શકે છે. રિપોર્ટ અનુસાર સરકારે જીએસટી ક્ષતિપૂર્તિ ઉપકરણની
જગ્યાએ નવો ટેક્સ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. નવી વ્યવસ્થા હેઠળ જીએસટી ઉપરાંત પાન
મસાલા ઉપર સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા ટેક્સ લાદવામાં આવશે. જેનાથી કિંમતમાં વધારો
થઈ શકે છે. - ફાસ્ટેગ યુઝર્સ માટે બદલાવ
: ફાસ્ટેગ યુઝર્સ માટે 1 ફેબ્રુઆરીથી નિયમ બદલાશે. એનએચએઆઇ અનુસાર
કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરતા સમયે કેવાયસી
વેરિફિકેશન પ્રક્રિયામાં બદલાવ કરવામાં આવ્યો છે. જેનાથી નવા યુઝર્સને રાહત મળી શકે
છે. આ બદલા ટોલ સિસ્ટમને સરળ બનાવવાની દિશામાં મહત્ત્વનું પગલું માનવામાં આવે છે. - ફેબ્રુઆરીમાં બેન્કની રજાઓ
: ફેબ્રુઆરીની શરૂઆત જ રજાથી થઈ રહી છે. આરબીઆઇની
વેબસાઇટ અનુસાર સાપ્તાહિક અવકાશ અને છત્રપતિ શિવાજી મહારાજ જયંતી જેવા અવસરો સાથે ફેબ્રુઆરીમાં
કુલ 10 દિવસ બેન્ક બંધ રહી શકે છે.
આ રજા રાજ્યો પ્રમાણે અલગ અલગ હોય શકે છે.