• શુક્રવાર, 30 જાન્યુઆરી, 2026

વિમાન અકસ્માતોની તપાસ બાદ કારણોનું નિરાકરણ થાય

બુધવારે સવારે બારામતીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ જણનો ભોગ લેનાર ગોઝારી વિમાન દુર્ઘટનાએ આવા દુ:ખદ બનાવોની યાદ ફરી તાજી કરાવી દીધી છે. રાબેતા મુજબ રીતે નાગરિક ઉડ્ડયન વિભાગે આ બનાવની તપાસના આદેશ આપી દીધા છે, પણ ભૂતકાળમાં બનેલા આગા ગમખ્વાર હવાઈ અકસ્માતોની તપાસ બાદ સરકારના જવાબદાર તંત્રોએ તેમાંથી બોધપાઠ લઈને વિમાની સફરને સલામત કરવાનાં પગલાં લેવામાં ધ્યાન અપાયું ન હોવાની હકીકત સામે આવી રહી છે. દરેક હવાઈ અકસ્માત વખતે બનતું આવ્યું છે તે જ રીતે અજિત પવાર અને તેમની સાથેના અન્ય ચાર જણનો ભોગ લેનારી દુર્ઘટનાએ અગાઉના આવા બનાવોની યાદ ફરી તાજી કરી દીધી છે. ભૂતકાળમાં પણ દેશના સંખ્યાબંધ રાજકીય નેતાઓ ઉપરાંત વેપાર અને ઉદ્યોગ જગતની હસ્તીઓનાં મોત આવી વિમાની અકસ્માતોમાં થયાં છે.  બારામતીના બનાવ અંગે પ્રાથમિક રીતે સત્તાવાર ખુલાસો કરાયો છે કે, આ અકસમાત થયો તે સમયે રન-વે પર વિઝિબિલિટી ઓછી હતી.  આવામાં પ્રથમ સવાલ એ થાય છે કે, જો આવી સ્થિતિ હતી, તો પછી વિમાનને ઊતરવાની મંજૂરી શા માટે અપાઈ હતી ? બીજો સવાલ તરત થાય છે કે, આધુનિક વિમાની ટેક્નોલોજીના સમયગાળામાં આવી કોઈ પણ સ્થિતિમાં વિમાનને સલામતી રીતે ઉતારી શકાય છે. આજકાલ દેશમાં ભારે ધુમ્મસને લીધે વિમાની સેવાઓ સતત ખોરવાતી રહી છે. મહાનગરો અને મહત્ત્વના શહેરોમાં આવા વિઝિબિલિટીના પ્રશ્નને ઉકેલવા વિમાન મથકે ખાસ ટેક્નોલોજી સાથેનાં સાધન લગાવાયાં છે. આ સાધન વિમાનની સાથેની ટેક્નોલોજીની સાથે સમન્વય કરી તે ધુમ્મસમાં ઊતરવાનો માર્ગ મોકળો કરી આપે છે. આ માટે પાઈલોટને પણ ખાસ પ્રકારની તાલીમથી સજ્જ કરાય છે.   ઉલ્લેખનીય છે કે, છેક 1980માં કોંગ્રેસના નેતા સંજય ગાંધીનું દિલ્હીમાં વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. તે પછી 2001માં માધવરાવ સિંધિયા, અરુણાચલપ્રદેશના માજી મુખ્યમંત્રી દોરજી ખાંડુ, 2001માં તે સમયના લશ્કરી દળોના વડા જનરલ બિપિન રાવત અને ગયાં વર્ષે ગુજરાતના માજી મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપણે હવાઈ દુર્ઘટનામાં ગુમાવ્યા હતા.   આમ નાનાં કે મોટાં વિમાનમાં હવાઈ સફર સલામત ન હોવાના પ્રસંગોની યાદી લંબાતી રહી છે. દુનિયામાં વિમાન અકસ્માતો તેમાં પણ ખાસ કરીને નાનાં વિમાનો તૂટી પડવાના બનાવ સતત સામે આવતા રહે છે. આજે હવાઈ સફર સમયની બચતનો પર્યાય બની રહી છે, ત્યારે વિશ્વની સાથોસાથ ઘર આંગણે ભારતમાં આ સફરને સલામત કરવા પર સુઆયોજિત રીતે પગલાં લેવાની જરૂરત સતત વર્તાઈ રહી છે. અજિત પવારનાં વિમાનને નડેલા અકસ્માતની તપાસમાં જે કોઈ કારણ સામે આવે, પણ તેને પુનરાવર્તન ન થાય તેના પર ખાસ ખ્યાલ રાખવાનો સમય પાકી ગયો છે.  આમ નહીં થાય તો બીજા આવા દરેક અકસ્માત સમયે આવી જરૂરત સામે આવતી રહેશે. 

Panchang

dd