• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

13 લાખ સુધીની આવક વેરામુક્ત થઇ શકે છે

નવી દિલ્હી, તા. 30 : દેશનું સામાન્ય બજેટ રવિવારે રજૂ થવા જઇ રહ્યું છે, ત્યારે સામાન્ય માણસે અનેક  આશાઓ આંખે આંજી છે, જેમાં 13 લાખ રૂપિયા સુધીની કમાણી કરમુક્ત થવાની સંભાવના પણ છે * આવકવેરામાં રાહત : નવાં વેરા માળખાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 75 હજારથી વધારીને એક લાખ કરી શકાય છે, જેનાથી પગારદાર લોકોની 13 લાખ રૂપિયા સુધીની આવક વેરા મુક્ત થઇ જશે. ઉદ્યોગ સંગઠન કંફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સી.આઇ. આર.)એ સરકારને સૂચન કર્યું છે કે, માંગ વધારવા માટે લોકોના હાથમાં વધુ પૈસા રહે તેમ કરવું જરૂરી છે. આમ થતાં લોકોની ખરીદશક્તિ વધશે, જેનાથી અર્થવ્યવસ્થાને લાભ થશે. * કિસાન સન્માનનિધિ : પીએમ કિસાન યોજનાની રકમ વાર્ષિક છ હજારમાંથી વધીને નવ હજાર થઇ શકે છે. 2024માં સંસદીય સ્થાયી સમિતિએ આ રકમ બમણો વધારો કરીને 12 હજાર કરવાની ભલામણ કરી હતી. ત્રણ વર્ષથી વધારો કરવાની વાત થઇ રહી છે. કિસાન સંગઠનોનું કહેવું છે કે, 2019થી મળી રહેલા છ  હજાર રૂપિયાની કિંમત મોંઘવારીનાં કારણે પાંચ હજાર થઇ ગઇ છે, જે વધારીને 12 હજાર રૂપિયા કરવી જોઇએ. * 300થી વધુ નવી ટ્રેન : સરકાર નવી ટ્રેનો દોડાવીને 2030 સુધીમાં રિઝર્વેશનનું વેઇટિંગ લિસ્ટ ખતમ કરવા માગે છે, એ જોતાં બજેટમાં એલાન થઇ શકે છે. વીતેલાં બજેટમાં રેલવે માટે 2.65 લાખ કરોડ રૂપિયાનું સર્વાધિક ભંડોળ ફાળવાયું હતું. આ વખતે તેમાંય વધારો થવાની આશા છે. ટ્રેનમાં રોજ સફર કરતા બે કરોડ જેટલા લોકોને લાભ થશે. * પી.એમ. સૂર્યઘર યોજના : બજેટમાં બે કિલોવોટ સુધીની સોલાર સિસ્ટમ પર સબસિડી પ્રતિ કિલોવોટ 30 હજારથી વધારીને 40 હજાર કરવાનું એલાન શક્ય છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય 2027 સુધીમાં એક કરોડ ઘરને સોલારગ્રીડ સાથે જોડવાનું છે. સબસિડી વધતાં 20 હજાર રૂપિયાની વધારાની બચત થશે. * આયુષ્માન ભારત : અત્યારે 70 વર્ષથી ઉપરની વયના બુઝુર્ગોને આ યોજનાનો લાભ મળે છે. હવે લાભાર્થીની વય ઘટાડીને 60 વર્ષ થઇ શકે છે. સાથોસાથ કેન્સર અને હૃદય રોગની સર્જરી જેવી ગંભીર બીમારીઓના ખર્ચમાં મદદરૂપ થવા વાર્ષિક પાંચ લાખની મફત સારવારની મર્યાદા વધારવાનું એલાન પણ બજેટમાં થઇ શકે છે.  

Panchang

dd