• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

કેપીએલે કચ્છની ઊભરતી ક્રિકેટ પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડયું

ભુજ, તા. 30 : કચ્છમાં ક્રિકેટ ક્ષેત્રે ઊભરતી યુવાપ્રતિભાઓને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કચ્છમિત્ર પ્રીમિયર લીગે કર્યું છે. આવાં આયોજનો થકી કચ્છમાં આઈપીએલ જેવું ક્રિકેટ કલ્ચર વિકસી રહ્યાનું પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડાએ હિમ્સ-કેપીએલની ચોથી સિઝનનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું. ભુજના ઐતિહાસિક જ્યુબિલી ગ્ર્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય મેચ જેવી લાઈટિંગથી ઝળહળતાં મેદાનમાં હિમ્સ-કેપીએલની ચોથી સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ મેચમાં પૂર્વી લિજેન્ડ અને ગત વર્ષની ઉપવિજેતા મસ્કા માસ્ટર્સ વચ્ચે ટક્કર થઈ હતી. મેચનો ટોસ ઉછાળી વિધિવત પ્રારંભ કરાવતાં પશ્ચિમ કચ્છ પોલીસવડા શ્રી સુંડાએ કહ્યું કે, ટેનિસ બોલનાં માધ્યમથી કેપીએલ, તો સિઝન બોલના માધ્યમથી કચ્છમિત્ર ટ્રોફીનું આયોજન કરી કચ્છમાં ક્રિકેટ ક્ષેત્રના વિકાસમાં મજબૂત પાયો નાખ્યો છે. આ સ્પર્ધામાં રમેલા ખેલાડીઓ વિદેશમાં પણ કૌવત દેખાડી રહ્યાનું કહી કચ્છમિત્રના સામાજિક ક્ષેત્રના પ્રદાનની પ્રશંસા કરી હતી. ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, મુખ્ય સ્પોન્સર હિમ્સના ધનસુખ શિયાણી, નીલેશ શિયાણી, સુમિટોમો કેમિકલ્સના નિખિલ જોશી, કચ્છમિત્રના તંત્રી દીપક માંકડ, મેનેજર મુકેશ ધોળકિયા, મદદનીશ તંત્રી નિખિલ પંડયા, મદદનીશ વ્યવસ્થાપક હુસેન વેજલાણી તેમજ ફ્રેન્ચાઈઝીના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કેપીએલની ચોથી સિઝનના પ્રારંભ વચ્ચે લાંબા સમયથી ક્રિકેટરસિકોમાં જોવા મળતી આતુરતાનો અંત આવ્યો હતો. પાલીસવડા સહિતના આગેવાનોએ કેપીએલની પ્રથમ મેચ નિહાળવા સાથે બેટિંગ -બોલિંગ પર હાથ અજમાવ્યો હતો. નવ દિવસ સુધી જામતી ક્રિકેટના મુખ્ય સ્પોન્સર હિમ્સ, કો-સ્પોન્સર સુમિટોમો કેમિકલ્સ, વીએમ અને ધ પાલ્મ લક્ઝરિયસ રેસિડેન્સી, ફૂડ પાર્ટનર કૂક કેટરરિંગ, બ્રોડબેન્ડ  પાર્ટનર પદ્મનેટ, ડેકોર પાર્ટનર પદ્માવતી ડેકોરેટર્સના સહયોગથી આયોજિત આ ટૂર્નામેન્ટમાં એસવીસીટી સ્ટ્રાઈકર્સ, કરની કૃપા રોયલ્સ, રાજવી ચેમ્પિયન્સ, એગ્રોસેલ ટાઈટન્સ, બરસાના બ્લાસ્ટર્સ, પૂર્વી લિજેન્ડ, મસ્કા માર્સ્ટર્સ, શ્રીરામ સુપરકિંગ્સની ફ્રેન્ચાઈઝી એકમો સાથે નવ દિવસ સુધી ક્રિકેટ મુકાબલો જોવા મળશે. ફાઈનલ મેચ 7મી ફેબ્રુઆરીના યોજાશે. - કચ્છમાં ક્રિકેટનું ક્લેવર બદલાયું : કેપીએલનાં આયોજન થકી કચ્છમાં ક્રિકેટનું ક્લેવર બદલ્યાનું જણાવતાં અગ્રણીઓએ કહ્યું કે, આ સરદહી જિલ્લામાં પણ ક્રિકેટ પ્રતિભાઓ પાંગરી રહી છે. તેમને ખીલવવાનું કાર્ય આવા આયોજનો થકી શક્ય બન્યું છે. ફ્રેન્ચાઈઝીના પ્રતિનિધિઓએ ભવિષ્યમાં આ જ પ્રકારનો સહયોગ આપતા રહેવાની કટિબદ્ધતા દેખાડી હતી. હિમ્સ-કેપીએલની ચોથી સિઝનને સુપેરે પાર પાડવામાં મેનેજમેન્ટ કમિટીના દત્તુ ત્રિવેદી, મુકેશ ગોર, જય સોલંકી, રિતેશ શેઠ ઉપરાંત પવિત્રા લાઈવના મનજી પટેલ સહિત મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. - ક્રિકેટરસિકોની ઉપસ્થિતિ : કેપીએલના પ્રારંભ સમયે ફ્રેન્ચાઈઝીના પ્રતિનિધિઓ સહિત ક્રિકેટરસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિક્રમસિંહ રોઠોડ, પ્રવીણ હીરાણી, અતુલ મહેતા, વિરલ ઉમરાણિયા, વીરભદ્રસિંહ જાડેજા, રિશી ઠક્કર, કીર્તિભાઈ ગોર, સુરેશ તામિલ, આઈએમએ ભુજના પ્રમુખ ડો. લવ કતિરા, વસંત પટેલ, ચિંતન ગોર તેમજ કચ્છમિત્ર પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જીત  અરોરા, ધવલ ગોસ્વામી, કોમેન્ટેટર તો જશરાજ સોલંકી સ્કોરર તરીકે સેવા આપી રહ્યા છે.  

Panchang

dd