મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 30 : રોડ લાઈટો, ગટર, ચલણી નોટો,
આંખલાની સમસ્યા સહિતના નખત્રાણાને કનડતા વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા
ગ્રામજનોએ માંગ કરી હતી. નખત્રાણામાં શાળાએ જતા બાળકો તથા સ્થાનિક સહિત ખરીદી અર્થે
આવતા આજુબાજુના 20થી 30 ગામોનાં લોકોનો આંખલાના આતંકથી
જીવ અદ્ધર થઈ જાય છે. ગઈકાલે સાંજના ભાગે બજારમાં આંખલાની અફરાતફરી સાથે વેપારીઓમાં
ભય પ્રસર્યો હતો. આ અંગે વેપારી મંડળના પ્રમુખ હેમેન્દ્રભાઈ કંસારા તથા સહમંત્રી અરવિંદભાઈ
રૈયાણીના જણાવ્યા મુજબ, બજારમાં આંખલા
દુકાન આગળ રાખેલી વસ્તુઓ પર એટેક કરતા વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ભૂતકાળમાં
આંખલા થકી વ્યક્તિઓનાં મરણ તથા ઈજાઓ પણ પહોંચી હતી. છેલ્લા ઘણા દિવસોથી નખત્રાણાનાં
બસ સ્ટેન્ડથી તા. પંચાયત સુધીના હાઈવે પર રોડ લાઈટો બંધ રહેતા રાત્રે ચાલવા નીકળતા
લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સોસાયટી, રહેઠાણ વિસ્તારના
રસ્તા ખરાબ હોતા નાનાં વાહનો તથા રાહદારીઓને હાલાકી થતા સીસી રોડ બનાવવા માંગ કરાઈ
હતી. સતત ઘરાકોની અવરજવર સમયે દુકાનદારોને છૂટા પૈસા આપવા 10 કે 20ની નોટો ઉપલબ્ધ ન હોવાની ફરિયાદ કરતા શ્રી
કંસારાએ કહ્યું કે, 10 કે 20ના સિક્કાનું બજારમાં ચલણ છે, પણ રાષ્ટ્રીય અધિકૃત બેકો દ્વારા આવા ચલણના
સિક્કાનું વિતરણ કરાતું ન હોતા વેપારીઓને મુશ્કેલીઓ સર્જાય છે. નગરમાં ઝિલ સોસાયટી
વિસ્તારમાં ઘણા સમયથી ગટરનો પ્રશ્ન સતાવતા રહેવાસીઓ દ્વારા નગરપાલિકાને રજૂઆત કરાઈ
હતી. જેનો ઉકેલ લાવવા રાજેશભાઈ મહારાજે માંગ કરી હતી. નખત્રાણાને કનડતા વિવિધ પ્રશ્નોના
ઉકેલની માંગ સાથે બજાર વિસ્તારમાં કે અન્ય સ્થળે નડતરરૂપ વાહનો પર પોલીસની કાર્યવાહીની
સરાહના કરાઈ હતી. બજારોમાં પેટ્રોલિંગ માટે રોજના ત્રણ રાઉન્ડ લગાવવા બદલ પીઆઈ શ્રી
મકવાણાની કામગીરીને વેપારી મંડળે બિરદાવી હતી.