ભુજ, તા. 30 : જૈન સમાજ ભુજમાં સંયમ અને સાધનાના
માર્ગે એક જ પરિવારના ત્રણ ભાઈ ત્યાગમય જીવન તરફ પ્રેરણાદાયી પ્રસ્થાન કરશે. તા. 26 એપ્રિલના કોલ્હાપુર ખાતે આચાર્ય
વિજય યશોવિજય સૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરશે. ત્યારબાદ ભુજ ખાતે સંયમ
ગ્રહણ મૂહુર્ત વધામણાનું આયોજન કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદનબેન મગનલાલ સાકરચંદ શેઠ પરિવાર (નખત્રાણા-ભુજ-મુંબઇ)
તથા વાલુબેન ખેંગારભાઈ પ્રતાપશીભાઈ શાહ પરિવાર (મોટા અંગિયા-ભુજ) પરિવારના તથા હાલે
ભુજ નિવાસી આ ત્રણેય બાલમુમુક્ષુ ભાઇઓ-બાળમુમુક્ષુ
આદિકુમાર (ઉ. 15), બાળમુમુક્ષુ
હિતકુમાર (ઉ. 14) તથા બાળમુમુક્ષુ દિવ્યકુમાર
(ઉ. 12) આચાર્ય અભયશેખર સુરીશ્વરજી
મ.સા.નાં સાંનિધ્યમાં વૈરાગી જીવન તરફ પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે. આ ત્રણેય બાલમુમુક્ષુનો
દીક્ષા મુહૂર્ત પ્રભુ વીરના કૈવલજ્ઞાન કલ્યાણક દિવસે, તા. 26/04/2026 કોલ્હાપુર (પનાલા) ખાતે યોજાશે. દીક્ષા મૂહુર્ત બાદ ત્રણેય મુમુક્ષુ
ભુજ આવી આચાર્ય વિજય યશોવિજય સુરીશ્વરજી મહારાજનાં સાંનિધ્યમાં દીક્ષા મુહૂર્તના વધામણા
ગ્રહણ કરશે આચાર્ય વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ તેમજ વિજય અભયશેખરસૂરિ મહારાજની
નિશ્રામાં ગુરુકુલવાસ કરી સંયમજીવનનું પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ આ બાળ કિશોરો સંસારનાં
બંધનમાંથી મુક્ત થઈ આત્મિક ઉન્નતિના માર્ગે અગ્રસર થવા જઈ રહ્યા છે. જૈન શ્વે. મુ.
તપગચ્છ સંઘ-ભુજ તથા આરાધના ભવન જૈન સંઘ- ભુજના સંયુક્ત આયોજન દ્વારા ભુજમાં સંયમગ્રહણ
મુહૂર્ત વધામણા કરાશે.