મદ્રાસ હાઈકોર્ટે લિવઈન રિલેશન સંદર્ભે આપેલા ચુકાદાની વિશદ
ચર્ચા શરૂ થઈ છે. કોર્ટનો દૃષ્ટિકોણ અહીં મહિલાઓની સામાજિક સલામતીનો, ત્રીની લાગણી સાથે રમત કરતા પુરુષોને પાઠ ભણાવવાનો
છે. ચુકાદાની એક જ તરફ જોઈએ, તો તેમાં સામાજિક-મહિલા સંદર્ભની
નિસબત છે, પરંતુ અનેક પહેલુથી આખી બાબતને જોવી પડે તેમ છે. મદ્રાસ
હાઈકોર્ટ સામે એક વ્યક્તિએ મહિલા ઉત્પીડનના કેસમાં આગોતરા જામીનની અરજી કરી ત્યાંથી
આખો મુદ્દો ઉપસ્થિત થયો છે. પુરુષે સંબંધ રાખ્યા પછી પોતાની જવાબદારી ખંખેરવાની કોશિશ
કરી ત્યારે કોર્ટે કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે, લિવઈનમાં
રહેતી મહિલાઓને પણ પત્ની જેવો હક્ક મળવો જોઈએ અન્યથા તેમની સામાજિક સલામતી નહીં જળવાય.
મદ્રાસ હાઈકોર્ટનું દર્શન એવું છે કે, આવા સંબંધો રાખનારા પુરુષો
પોતાને આધુનિક ગણાવે છે, જ્યારે જવાબદારી નિભાવવાની વાત આવે ત્યારે
તેઓ છટકી જાય છે, ત્રીના ચારિત્ર્ય ઉપર લાંછન લગાવે છે. એક વ્યક્તિને
જામીન ન મળ્યા ત્યાં મુદ્દો પૂર્ણ નથી થતો. કોર્ટ કહે છે કે, લગ્ન વગર રહેતી ત્રીને પણ લગ્નનો દરજ્જો મળવો જોઈએ. જો પુરુષ અને ત્રી બંને
અપરિણીત હોય અને લગ્ન વગર લિવઈનમાં રહેતા હોય તો આ શક્ય છે અન્યથા ભારતીય લગ્ન માટેના
કાયદા અનુસાર બંનેમાંથી એક પરિણીત હોય તો છુટ્ટાછેડા વગર તે શક્ય નથી. જો પત્નીનો દરજ્જો
તે ત્રીને મળી જાય તો લિવઈનની વિભાવના જ ન રહે, કોર્ટ એવું કહેવા
માગતી હોય કે આવી મહિલાઓને તેમના લિવઈન પાર્ટનર તરફથી કોઈ આર્થિક સલામતીની ખાતરી મળે
તો વાત અલગ છે. દરેક લિવઈનમાં દગાબાજી કે કોઈ એક પાત્ર તરફથી સ્વાર્થનું વલણ ન પણ હોય.
બંને એકબીજાના અંગત જીવનથી પરિચિત હોય, સાથે રહેતા હોય તો આવા
ઝઘડાનો અવકાશ ઓછો રહે છે. આ ચુકાદો જો કે, એવા લોકો માટે જ છે
જે આ સંબંધોનો દુરુપયોગ કરે છે. કોર્ટે કહ્યું કે, મહિલાઓ સાથે
દગો થાય તે પ્રવૃત્તિ ખતરનાક છે, જેને રોકવી અદાલતનું ઉત્તરદાયિત્વ
છે. કોર્ટે ત્યાં સુધી કહ્યું કે, ભારતમાં આવા સંબંધોનો સામાજિક
સ્વીકૃતિ મળી નથી, પરંતુ આ પ્રકારના સંબંધો હવે સામાન્ય થઈ રહ્યા
છે. અનેક મહિલાઓ તેને સમાન આધાર ઉપર આધુનિક સંબંધ માનીને સ્વીકારે છે, પછી તેને ખબર પડે છે કે, કાયદો તેઓને પત્ની જેવી સુરક્ષા
તો આપતો નથી. આ નિર્ણય-ચુકાદો કાયદાના આ ખાલીપાને ભરવાનો પ્રયાસ છે. કોર્ટનો આ નિર્ણય
એવું પ્રસ્થાપિત કરતો નથી કે લિવઈન રિલેશન પણ લગ્ન ગણાશે, આ નિર્ણય
સંબંધની કાયદેસરતા કરતાં પણ વધારે શોષણની વિરુદ્ધ પ્રહાર છે. કોઈ સંબંધ માણસની અંગત
બાબત હોઈ શકે, લગ્નનો ખોટો વાયદો આપીને ફરી જવું તે અંગત નથી,
તે કાનૂની અપરાધ છે. લિવઈન સંબંધો ભલે લગ્નના દાયરામાં કોઈને બાંધે નહીં,
પરંતુ ઉભયપક્ષે જવાબદારીની અપેક્ષા રાખે જ છે. વિશેષત: પુરુષ અહીં ત્રીને
લગ્નના ખોટા વાયદા આપીને તરછોડી ન દે તે બાબતે કોર્ટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આગામી
સમયમાં આ ચુકાદો સામાજિક પરિપ્રેક્ષ્યમાં અગત્યનો સાબિત થશે.