• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

સરકારી કામો ઉપર સ્થાનિક લોકો નજર રાખે

નખત્રાણા, તા. 30 : તાલુકા મથક નખત્રાણાના જોડિયા બેરૂ ગામથી રામપર (રોહા) પિયોણી થઇ અબડાસા તાલુકાનાં મોથાળા ગામ સુધીના 22 કિ.મી. માર્ગનું રૂા. 5.71 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે થયું હતું. રાજકીય પાર્ટીના જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદાર, અગ્રણીઓ, સદસ્યો, સ્થાનિક ગામોના સરપંચ, આગેવાન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. ગામડાંના વિકાસ થકી શહેરોનો વિકાસ થાય છે, જેથી અંતરિયાળ ગામોને શહેરી માર્ગોને જોડવા માટે સરકારના અભિગમ તેમજ ખેતી, પશુપાલનના વિકાસ માટે તંત્ર દ્વારા થઇ રહેલાં વિકાસકામોથી આર્થિક રીતે તૂટેલાં ગામડાંનો ફરીથી વિકાસ થઇ રહ્યો છે તેવું બેરૂ ગામે ખાતમુહૂર્ત કરી ધારાસભ્ય શ્રી જાડેજાએ જણાવ્યું હતું. રજૂઆત કરવાનું કામ લોક પ્રતિનિધિઓનું છે. દરખાસ્ત મંજૂર થયા પછી સરકાર દ્વારા એજન્સીઓને કામ અપાતાં વર્કઓર્ડરથી શરૂ થતાં કામો યોગ્ય રીતે સારા અને ટકાઉ થાય તે માટે સ્થાનિક આગેવાનો તથા લોકોને ધ્યાન રાખવું જરૂરી છે. કામ બરાબર થતું ન હોય, તો  એવા થતાં નબળા કામને અટકાવી જવાબદાર અધિકારી-પદાધિકારીઓને ફરિયાદ કરવી જરૂરી છે. વિકાસના થતાં કામો નાગરિકોનાં નાણાંથી થાય છે. સરકાર માત્ર માધ્યમ છે, માટે કામ ઉપર કાળજી રાખવા તેમણે અનુરોધ કર્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામતાં ચાર કસ્તૂરબા વિદ્યાલયમાં 1200થી ઉપરની સંખ્યામાં કન્યા સરકારના તમામ ખર્ચે ભણી શકશે. આથી કન્યા કેળવણી ક્ષેત્રે ક્રાંતિ સર્જાશે, વિકાસકામોની હરણફાળ પ્રગતિનું કામ એકમાત્ર ધારાસભ્ય કરી ન શકે તે સૌના સાથ સહકારથી શક્ય બન્યું છે, હજી પણ ધારાસભ્યપદે બે વર્ષ બાકી છે તે સમય દરમ્યાન દરખાસ્ત કરાયેલા રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્યલક્ષી અનેક કામો પૂર્ણ કરાશે તેવી ખાતરી આપી હતી. તા. ભાજપના પ્રમુખ ધર્મેશભાઇ કેશરાણીએ ગામના સરપંચથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારો છે, ત્યારે પોતાના વિસ્તારમાં જરૂરી વિકાસકામોની માંગ પ્રમાણે પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જિ.પં. સદસ્યા નયનાબેન પટેલ, અગ્રણીઓ કાનજીભાઇ ગઢવી, સા. ન્યાય સમિતિ જિ.પં. ચેરમેન પરસોતમ  મોરવાની, હરિસિંહ રાઠોડ સહિતના અગ્રણણી વકતાઓએ અબડાસા વિધાનસભા ક્ષેત્રના નખત્રાણા, અબડાસા, લખપત તાલુકામાં અગાઉ ક્યારે પણ નથી થયા એવા મોટા પ્રમાણમાં થયેલાં કામોની વાત કરી હતી. અગ્રણી લાલજીભાઇ રામાણી, રાજેન્દ્રસિંહ જાડેજા, તા.પં. પ્રમુખ ભાવનાબેન પટેલ, ઉત્પલસિંહ જાડેજા, દિનેશભાઇ નાયાણી, ધર્મેન્દ્ર ગોસ્વામી, બાબુભાઇ ચોપડા, અશ્વિનભાઇ સોની, નખત્રાણા પૂર્વ સરપંચો ચંદનસિંહ રાઠોડ તથા નૈતિકભાઇ પાંચાણી, મંગળાબેન વાઘેલા, જિતેન્દ્રસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, ગોપાલભાઇ ગઢવી, ભરતસિંહ જાડેજા, દિનેશભાઇ નાકરાણી, ઇશ્વરભાઇ સાંખલાહરિસિંહ જાડેજા, મામદભાઇ, અનવરભાઇ, શિવુભા સોઢા, હંસાબેન રામાણી, વસંતબેન રૂડાણી, ધનજી કોલી, જીવરાજ રામાણી, સવિતાબેન મેરીઆ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. વિધિ પુષ્પકાંત જોશીએ કરાવી હતી. સંચાલન હરિસિંહ રાઠોડે કર્યું હતું. આભારવિધિ ઇશ્વરભાઇ પટેલે  કરી હતી. 

Panchang

dd