• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

અંજારમાં સંગઠિત ગુના આચરતા શખ્સો સામે પોલીસ દ્વારા ગુજસીટોક દાખલ

ગાંધીધામ, તા. 30 : પૂર્વ કચ્છમાં ગુના આચરવા માટે સંગઠિત થઇ બનાવોને અંજામ આપતા શખ્સો સામે પોલીસે ગુજસીટોકની કલમો તળે કાર્યવાહી કરી છે તેવામાં અંજાર પોલીસે ત્રણ શખ્સ સામે ગુજસીટોક દાખલ કરતાં આવા તત્ત્વોમાં રીતસર સોપો પડી ગયો છે. પૂર્વ કચ્છમાં ગુજસીટોકનો આ છઠ્ઠો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છમાં સિન્ડિકેટ બનાવી ઓર્ગેનાઇઝડ ગુના કરવાની આદતવાળા શખ્સો જે ગુનાહિત  ટોળકી બનાવી એકબીજા સાથે મેળાપીપણું કરી સાથે મળી ગુના આચરવા સંગઠિત થઇ બનાવોને અંજામ આપતા શખ્સો જે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ 2015 મુજબ શિક્ષાપાત્ર ગુનાની વ્યાખ્યામાં આવતા હોય તેવી ટોળકીના સભ્યો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ અધીક્ષક સાગર બાગમારએ આદેશ કર્યા હતા. અંજારમાં રહેતા કિશોર ઉર્ફે રામ નાનુગર બાવા (ગુંસાઇ), દેવાંગ દિલીપ ચાવડા તથા મેઘપર બોરીચી લખુબાપા નગરના ખુશાલ રમેશગર ગોસ્વામી નામના શખ્સો આ ગુજસીટોક અંતર્ગત આવતા હતા. આ શખ્સો લૂંટ, દારૂ, એટ્રોસીટી, મારામારીના ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે. જે પૈકી ખુશાલ સામે આવા સાત, દેવાંગ વિરુદ્ધ ચાર તથા કિશોર વિરુદ્ધ ત્રણ ગુના અગાઉ નોંધાયેલા છે. આ ટોળકી વિરુદ્ધ ગુજસીટોકની દરખાસ્ત તૈયાર કરી પોલીસે ન્યાયાલયની પરવાનગી માગી હતી. ત્યાંથી આ દરખાસ્ત મંજૂર થતાં આ ટોળકી સામે ગુજસીટોકની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છમાં અંજાર પોલીસ દ્વારા વધુ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાતાં આવા તત્ત્વોમાં રીતસર સોપો પડી ગયો હતો. અંજાર પોલીસે અગાઉ રિયા ઇશ્વર ગોસ્વામી, આરતી ઇશ્વર ગોસ્વામી, તેજસ ઇશ્વર ગોસ્વામી, શબીર ઉર્ફે સબલો અઝરૂદ્દીન બાયડ, ફિરોઝ રજુ લંઘા, વસંત ઉર્ફે વસલો, રમેશ કોળી તથા હાલમાં આ ત્રણ સામે ગુજસીટોક દાખલ કરીને સમગ્ર સરહદી રેન્જમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે જ્યારે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ફિરોઝ ઉર્ફે ગુગલી હુસેન મમણ, અલ્તાફ ઉર્ફે કારો રમજાન કકલ, કાસમ અલી મથડા, ઇસ્માઇલ ઇબ્રાહીમ મથડા, અબ્દુલગની ઉર્ફે ગનીડો ઇસ્માઇલ ચાવડા, ઉમર ઉર્ફે ભૂરો કાસમ ચાવડા, અકરમ ઇસ્માઇલ ચાવડા, કાસમ ઉર્ફે કાસુડો ઇસ્માઇલ ચાવડા અને જુમા આમદ સેહા સામે પૂર્વ કચ્છમાં અને સમગ્ર રેન્જમાં પહેલી વખત ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે અર્જુન નાગજણ ગઢવી, દિનેશ ઉર્ફે ડિંકો બાબુલાલ પરિહાર સામે ગુજસીટોક કરી હતી. પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોકના છ ગુના નોંધીને સરહદી રેન્જમાં અગ્ર હરોળમાં રહી છે. 

Panchang

dd