• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

વિંગાબેરમાં 207 એકર ગૌચરને કરાઇ દબાણમુક્ત

નલિયા, તા. 30 : અબડાસા તાલુકાના વિંગાબેર ગામે ગૌચરની જમીન પર થયેલાં ગેરકાયદે દબાણો પર આજે તંત્રએ લાલ આંખ કરી મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાની કડક સૂચના બાદ, પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી દ્વારા પચાવી પાડવામાં આવેલી અંદાજે 207 એકર જેટલી સરકારી જમીનને પોલીસ અને મહેસૂલ વિભાગના સંયુક્ત કાફલાએ દબાણમુક્ત કરાવી હતી. વિંગાબેર ગામના સર્વે નંબર 215, 218 અને 220 ઉપર ગૌચરની જમીન આવેલી છે. આ જમીન પર પ્રોહિબિશનના બે જેટલા ગુનામાં સંડોવાયેલા વનરાજાસિંહ ટપુભા સરવૈયા દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. અસામાજિક તત્ત્વો અને ભૂમાફિયાઓ સામે પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડાએ આદરેલી ઝુંબેશના ભાગરૂપે આ દબાણ હટાવવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. જેને પગલે વહેલી સવારથી જ તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર ત્રાટક્યો હતો. આ દબાણ હટાવવાની  કામગીરીમાં ડીવાયએસપી બી.બી. ભગોરાનાં માર્ગદર્શન હેઠળ નલિયા પી.આઈ. વી.બી. ઝાલા, કોઠારા પી.આઈ. પી.કે. રાડા અને જખૌ પી.એસ.આઈ. રાજવીરાસિંહ ગોહિલ સહિતનો પોલીસ કાફલો ચુસ્ત બંદોબસ્ત સાથે તૈનાત રહ્યો હતો. પોલીસની સાથે વહીવટી તંત્રના વિસ્તરણ અધિકારી નીલેશ રાવલ, નાયબ મામલતદાર રવિ બારોટ, વિંગાબેરના તલાટી પી. એસ. પાઠક તથા સરપંચ જયેન્દ્રાસિંહ સરવૈયા સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.  તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં અંદાજે 207 એકર જેટલી વિશાળ જમીન ખુલ્લી કરવામાં આવી, જેનો ઉપયોગ ગાયોનાં ચરિયાણ માટે ગૌચર તરીકે થશે. પ્રોહિબિશનના આરોપી દ્વારા સરકારી જમીન દબાવીને કરાતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર તંત્રએ બ્રેક લગાવી દેતા પંથકના ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં પણ સરકારી કે ગૌચરની જમીન પર દબાણ કરનારા તત્ત્વો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવો સંકેત તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે. 

Panchang

dd