• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

કેનેડામાં ખાલિસ્તાનીઓના ઉપદ્રવને રોકવો અનિવાર્ય

કેનેડામાં ભારત વિરોધી ખાલિસ્તાનીઓએ હવે હિન્દુ સમુદાયને બેધડક નિશાન બનાવીને ત્યાંની જસ્ટિન ટ્રુડો સરકારની રાજકીય નબળાઇ વિશ્વ સમક્ષ છતી કરી છે.  ભારે મોટી સંખ્યામાં શીખ સમુદાયની વસ્તી ધરવતા કેનેડામાં ખાલિસ્તાનીઓ સતત સક્રિયતા વધારી રહ્યા છે.  અભિવ્યક્તિ અને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારના નામે ટ્રુડો સરકારે આવાં તત્ત્વોને આપેલા છૂટા દોરને પરિણામે હવે હિન્દુ સમુદાય અને ધર્મસ્થળોને નિશાન બનાવવાના ચોંકાવનાર બનાવોએ વિશ્વભરના હિન્દુઓમાં રોષ જગાવ્યો છે.  ભારત સરકારે કેનેડા સરકારની સામે સખત શબ્દોમાં નારાજગી નોંધાવી છે.  બન્ને દેશો વચ્ચે આમે પણ તંગ સંબંધો હવે વધુ વણસે એવા સ્પષ્ટ સંકેત સામે આવી રહ્યા છે. રવિવારે ટોરન્ટોના બ્રેમ્પટનમાં હિન્દુ મંદિરના પરિસરમાં હુમલો કરીને ખાલિસ્તાનના સમર્થકોએ ભક્તોની સાથે મારપીટ કરી હતી.  કહેવાય છે કે આ બનાવ બન્યો ત્યારે પોલીસ ત્યાં હાજર હતી, પણ તેમણે તોફાનીઓને રોકવાની કોઇ તસ્દી લીધી ન હતી.  સ્વાભાવિક રીતે કેનેડા આખાના હિન્દુઓમાં ભારે ગુસ્સો છે. આવા કોઇપણ બનાવ સમયે રાજકારણીઓ દ્વારા અપાતા પ્રતિભાવની જેમ ટ્રુડોએ આ ઘટનાની ટીકા કરીને કહ્યું કે, કેનેડામાં દરેક વ્યક્તિને તેની આસ્થા મુજબના ધાર્મિક આચરણને તથા પૂજા-પાઠનો અધિકાર છે,  પણ આ બનાવ બાદ કેનેડામાં શીખો અને હિન્દુઓ વચ્ચે વૈમનસ્યનું જે વાતાવરણ સર્જાયું છે તેની માટે ત્યાંની સરકારનાં વલણને જવાબદાર ગણાવી શકાય તેમ છે. ખાલિસ્તાની ટેકેદારોનું આ વલણ તેમની વધી રહેલી હિંમત દર્શાવે છે. અન્યોની આસ્થાને નિશાન બનાવવાની હદે જતા આ અલગતાવાદીઓના આવા આક્રમક વલણની પાછળ કેનેડા સરકાર દ્વારા આવાં તત્ત્વો અને તેમના નેતાઓને અપાતાં સંરક્ષણ કારણભૂત હોવાનું દીવા જેવું સ્પષ્ટ છે.  કેનેડામાં જ્યારથી ચૂંટણીઓનું વાતાવરણ જામવા લાગ્યું છે ત્યારથી ટ્રુડોને હારનો ડર સતાવી રહ્યો છે.  આ ડરને લીધે તેઓ શીખ મતદારોનો ટેકો મેળવવા તેમને છૂટો દોર આપી રહ્યા છે. આમ તો કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિ કાંઇ આજકાલની નથી.  લાંબા સમયથી ત્યાં ખાલિસ્તાની અલગતાવાદી વિવિધ કાર્યક્રમોના ઓઠા તળે ભારત વિરોધી દેખાવો કરતા રહ્યા છે.  આ તમામ બનાવો સમયે ભારતે કેનેડા સરકાર સમક્ષ વાંધો વ્યક્ત કરીને આવા તોફાની અને અલગતાવાદી તત્ત્વોની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, પણ શીખ મતબેંક માટે છેલ્લે પાટલે બેસી ગયેલા ટ્રુડો અને તેમની સરકારે હરદીપાસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય ગુપ્તચર એજન્સીઓનો હાથ હોવાનો દાવો કરીને બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ ઊભી કરી દીધી છે. આ વાત એટલી હદે વધી ગઇ છે કે બન્ને દેશોના સંબંધમાં તંગદિલી અને કડવાશ વધતા રહ્યા છે. બ્રેમ્પટનના બનાવોથી ટ્રુડોને વાસ્તવિક્તાનું ભાન થવું જોઇએ.  અલગતાવાદીઓએ મતબેંક માટે છૂટો દોર આપવાના તેમના વલણથી કેનેડામાં વર્ગવિગ્રહનું જોખમ ઊભું થઇ રહ્યંy હોવાનું તેમને સમજવાની જરૂરત છે.  કેનેડામાં ભારતીય મૂળના એક સાંસદે પ્રતિભાવમાં કહ્યંy છે કે, હવે રેડ લાઇન ઓળંગાઇ ગઇ છે. ટ્રુડો અને તેમની સરકારને આ વાત સમજવાની ખાસ જરૂરત છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang