• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

ભુજ એરપોર્ટ પર 90 હજારથી વધુ પ્રવાસીનું આવાગમન

ભુજ તા 24 : કચ્છનો પ્રવાસન અને ઔદ્યોગિક ક્ષેત્ર સહિતમાં  થયેલા વિકાસના કારણે યાતાયાતની સેવાઓ વધી છે. ખાસ કરીને વિમાની સેવાની તુલનાત્મક રીતે વર્તાતી ઉણપ વચ્ચે પણ વિમાન મારફત પ્રવાસીઓનું આવાગમન નોંધનિય રીતે વધ્યું છે. વિતેલા અઢી માસની વાત કરીએ, તો ભુજ વિમાની મથકેથી આ સમયગાળામાં 90 હજારથી વધુ મુસાફરે આવાગમન કર્યું છે. જે વિકમી હોવાનું આ ક્ષેત્રના જાણકારો જણાવી રહ્યા છે. - સર્વાધિક ધમધમાટ : નવેમ્બરમાં રણોત્સવનાં આયોજન સાથે બિનનિવાસી ભારતીયોનું માદરે વતનમાં આવાગમન વધતાં વિશેષ રીતે ડિસેમબરમાં ભુજ વિમાની મથકેથી પ્રવાસીઓની આવ-જાનો ધમધમાટ સૌથી વધુ જોવા મળ્યો હતો. સત્તાવાર રીતે મળેલા આંકડા અનુસાર આ એક માસમાં ભુજ એરપોર્ટ પરથી 40,000થી વધુ મુસાફરે અવરજવર કરી હતી, તો જાન્યુઆરી માસમાં પણ 30,000 જેટલા પ્રવાસીએ અવરજવર કરી. જ્યારે ફેબ્રુઆરી માસમાં પણ 20,000 જેટલા પ્રવાસીની અવરજવરથી વિમાનીમથક ધમધમતું રહ્યું હતું.- શિડયૂઅલથી હાલાકી : આમ તો ભુજથી મુંબઈ, દિલ્હી, સુરતની ચાર ફ્લાઈટનું દૈનિક સંચાલન થાય છે, પણ આ અઢી માસના ગાળામાં કયારેક દિવસની ચારના બદલે બે, તો કયારેક ત્રણ ફ્લાઈટનું સંચાલન થવાના કારણે વિમાની સેવાનું શિડયૂઅલ ખોરવાયું હતું. આજ કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઉતાર ચડાવ જોવા મળ્યો છે. જો નિયમિત ચાર ફ્લાઈટ ઉડાન ભરતી હોત, તો પ્રવાસીઓના આવાગમનનો આંક એક લાખને આસાનીથી પાર કરી ગયો હોત. - આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપો : ભુજ અને કંડલાની સાથે હવે મુંદરા એરપોર્ટથી પણ પેસેન્જર વિમાનનું આવમગમન શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે કચ્છને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળે તે માટેની માંગ પણ બુલંદ બની રહી છે. ભુજ અને કંડલા એરપોર્ટથી વિમાની સેવાનો વ્યાપ વધે એ માટે પણ પ્રવાસીવર્ગમાંથી લાગણી વહેતી થઈ રહી છે. 

Panchang

dd