ભુજ, તા. 26 : કચ્છ વિસ્તાર ભારતના મહત્ત્વપૂર્ણ
સેડીમેન્ટ્રી ખડકો પૈકીનો એક છે, જ્યાં
મેસોઝોઇકથી સેનોઝોઇક સમયગાળાના સમૃદ્ધ ખડકો, અશ્મિઓ અને સ્ટ્રકચરલ
ફીચર્સ સારી રીતે સંરક્ષિત છે. અહીંની આર. આર. લાલન કોલેજના દ્વિતીય અને તૃતીય વર્ષના
જિઓલોજી વિભાગના વિદ્યાર્થીઓએ કચ્છ બેસિનના મેસોઝોઇક અને સેનોઝોઇક ખડકોના અભ્યાસ માટે
પાંચ દિવસીય ફિલ્ડવર્ક પૂર્ણ કર્યું. મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન
પૂરતું સીમિત ન રહી, પ્રાયોગિક અને ફિલ્ડ આધારિત અભ્યાસનો અનુભવો
આપવાનો હતો, જેથી તેઓ કચ્છના ભૂસ્તરીય બંધારણને વિગતવાર સમજી
શકે છે. ફિલ્ડવર્ક દરમિયાન વિદ્યાર્થીઓએ ફોલ્ટ (ભૂસ્ખલન રેખાઓ), ફોસિલ્સ (જીવાશ્મ), સ્તરક્રમ (સ્ટ્રેટિગ્રાફી)ની ઓળખ
અને વિશ્લેષણ કરવાનો હેન્ડ્સ-ઓન અનુભવ મેળવ્યો હતો. આ ખડકો કઈ પ્રકારે ડીપોઝીટ થયા
તેની જાણકારી જીવાશ્મોની મદદથી મેળળવામાં આવી હતી. સેનોઝોઇક યુગના ખડકોની રચનાઓમાં
માતાના મઢ ફોરમેસન, નરેડી ફોરમેસન, હારુડી
ફોરમેસન અને ફુલરા ફોરમેસનનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓએ સ્ટ્રેટિગ્રાફી (સ્તરક્રમ)
અને સમુદ્ર સ્તરના પરિવર્તન અંગે સમજ મેળવી. કચ્છ બેસિનની ટેક્ટોનિક રચનાને સમજવા માટે
વિદ્યાર્થીઓએ કચ્છ મેઈનલેન્ડ ફોલ્ટ, વિગોડી ફોલ્ટ અને કઠરોડ હિલ
ફોલ્ટ જેવા મહત્વપૂર્ણ ફોલ્ટ ઝોનની મુલાકાત લીધી હતી. હડપ્પાકાલીન સ્થળ ધોળાવીરાની
પણ મુલાકાત લેવામાં આવી હતી. અહીં વિદ્યાર્થીઓએ ભૂગર્ભીય પરિસ્થિતિ અને પ્રાચીન જળ
વ્યવસ્થાપન પદ્ધતિ વચ્ચેના સંબંધને સમજ્યા હતા. ડો. દર્શિત જે. પાડિયા, બાબુલાલ વાઘેલા અને મીત ઉગરેજયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું. નારાયણ
કોલેજ, તિરુવનંતપુરમ, કેરળના તૃતીય વર્ષના
27 વિદ્યાર્થી અને બે અધ્યાપક
પણ જોડાયા હતા. અંતિમ દિવસે નારાયણ કોલેજના વિદ્યાર્થીઓએ આર. આર. લાલન કોલેજના ભૂસ્તરશાસ્ત્ર
વિભાગની શૈક્ષણિક અને સંશોધન સુવિધાઓની પણ મુલાકાત લીધી.