ભુજ, તા. 26 : બેન્કમાંથી લોન લીધા બાદ પરત
જતા કરવામાં નિષ્ફળ જતા બાદમાં લોન પૂરી કરવા આપેલો બે લાખનો ચેક પરત ફરતા બેન્કે કેસ
કરતા આરોપી દીપકકુમાર ગોવિંદજી ચંદે (રહે. મુળ ભુજ,
હાલે બોપલ -અમદાવાદ)ને કોર્ટે એક વર્ષની કેદની સજા આપતો ચુકાદો આપ્યા
હતા. આ અંગેની ટૂંક વિગતો મુજબ, ધી ભુજ કોમર્શિયલ કોપરેટીવ બેન્ક
લિ.માંથી આરોપી દીપકકુમાર ગોવિંદજી ચંદે (મારુતિ પેકેજીંગના પ્રોપરાઇર, રહે. મૂળ ભુજ, હાલે બોપલ-અમદાવાદવાળા)એ રૂા. બે લાખની
લોન લીધી હતી, જે બેન્કમાં પરત જમા કરવામાં નિષ્ફળ જતા આરોપીનો
ખાતો એન.પી.એ. થયો હતો. બેન્કે લેણી રકમ વસૂલવા આરોપીને વારંવાર જણાવતા તેણે બેન્કને
રૂા. બે લાખનો ચેક આપ્યો હતો. જે અપૂરતા ભંડોળના કારણે પરત ફરતા બેન્કે કોર્ટમાં કેસ
દાખલ કરાવ્યો હતો. ભુજના ચીફ જ્યુડિસીયલ મેજિસ્ટ્રેટે દસ્તાવેજી પુરાવાઓના આધારે આરોપીને
તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા બે લાખ ફરિયાદીને વળતર ચૂકવવા અને વળતર ન ચૂકવે
તો વધુ છ માસની કેદનો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદી બેન્કના વકીલ તરીકે અમિત એ. ઠક્કર,
પી.બી. મકવાણા, રાજેશ ભાનુશાલી હાજર રહ્યા હતા.