ગાંધીધામ, તા. 26 : ભચાઉમાં કુંજીસર રોડ ઉપર આવેલી
એક કંપનીમાં રાજકોટ ડી.જી.જી.આઇ.ની ટીમે દરોડો પાડી શંકાસ્પદ યુરિયા ખાતર પકડી પાડયું
હતું. તેનો અભિપ્રાય આવતાં કંપનીના માલિક સામે રૂા. 1,42,000ના ખાતર અંગે ગુનો દર્જ કરાયો
હતો. ભચાઉના કુંજીસર રોડ ઉપર આવેલી રેસી કેમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ડી.જી.જી.આઇ.
રાજકોટની ટીમે દરોડા પાડયા હતા. અહીંથી ભીના તથા કોરા એફમ 42 કિલોની એક એવી 535 યુરિયા ખાતરની બોરી ઝડપી પાડી
હતી. અહીં બાદમાં ભચાઉ તથા ભુજ ખેતીવાડી અધિકારીઓને બોલાવ્યા હતા. આ અધિકારીઓએ જુદા
જુદા ત્રણ નમૂના લઇ પૃથ્થકરણ અર્થે મોકલાવ્યા હતા,
જેનો અભિપ્રાય તા. 30/12/2025ના આવી ગયો હતો. આ અભિપ્રાય આવી ગયાના બે મહિના બાદ બનાવ અંગે
કંપનીના માલિક ભાવેશ મનસુખલાલ મહેતા સામે ભચાઉ ખેતીવાડી અધિકારી ભાવિક રાયમલ ચૌધરીએ
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામના પડાણા,
મીઠીરોહર, ગળપાદર, ભચાઉ આસપાસ
આવેલી અમુક ટિમ્બર કંપનીઓમાં આવી જ રીતે ખેડૂતોના હક્કનું યુરિયા ખાતર પધરાવવામાં આવે
છે. આ કૌભાંડ લાંબા સમયથી ચાલતું હોવા છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી. આવા કૌભાંડોમાં
તંત્રના અમુક પલળેલા કર્મીઓ દર મહિને પ્રસાદીનો મેળ કરી લેતા હોવાનું સમજાય છે.